16 January, 2025 12:05 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદની ઉત્તરાયણ જોવા અને પતંગ ચગાવવા માટે માટુંગાથી અમદાવાદ આવેલાં જયલ, માનસી અને તેમની દીકરી રીવા. અમદાવાદમાં ઉત્તરાયણમાં રાત્રે ફટાકડા ફૂટ્યા હતા. લોકોએ આતશબાજી કરી હતી. તસવીરો : જનક પટેલ
મુંબઈમાં હવે પહેલાંના જેવી ઉત્તરાયણ થતી નથી એટલે મુંબઈગરાઓ ઉત્તરાયણમાં અમદાવાદ આવતા થયા છે. માટુંગાથી આવેલી ગડા ફૅમિલીએ અમદાવાદની એક ટ્રિપમાં બે ફેસ્ટિવલ ઉત્તરાયણ અને દિવાળીની મોજ માણી હતી. ઉત્તરાયણની રાત્રે અમદાવાદમાં દિવાળીની જેમ ફટાકડા ફૂટતા જોઈને તેઓ અચરજ પામી ગયા હતા.
માટુંગામાં રહેતા બિઝનેસમૅન જયલ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસ પતંગ ચગાવવા માટે અને અમદાવાદની ઉત્તરાયણ જોવા માટે હું, મારી મિસિસ માનસી અને એક વર્ષની દીકરી રીવા સાથે પહેલી વાર અમદાવાદ આવ્યો છું. અમદાવાદમાં મારા બે મિત્રો મિતુલ ઝવેરી અને કૈવલ ચોકસી રહે છે તેમને ત્યાં હું સ્પેશ્યલ અમદાવાદની ઉત્તરાયણ જોવા ફૅમિલી સાથે આવ્યો અને બે દિવસ ખરેખર મોજ પડી ગઈ. ઉત્તરાયણમાં અહીંનો જે માહોલ જોયો એવો માહોલ મુંબઈમાં જોવા મળતો નથી. નવા વર્ષના દિવસે ફટાકડા ન ફૂટે એટલા ફટાકડા અહીં ફૂટ્યા. અમે તો આખો દિવસ ધાબે જ રહ્યા. પતંગો કાપી પણ ખરી અને અમારી પતંગો પણ કપાઈ. પહેલી વાર આવ્યા અને મોજ પડી ગઈ.’
અમદાવાદની અમારી ઉત્તરાયણ એકદમ મસ્ત બની રહી એમ જણાવતાં માનસી ગડાએ કહ્યું હતું કે ‘આટલી બધી પતંગો ઊડતી પહેલી વાર જોવા મળી. અહીં તો દિવસે ઉત્તરાયણ અને રાત્રે દિવાળી જોવા મળી. લોકોએ રાત્રે કેટલા બધા ફટાકડા ફોડ્યા, જાણે કે દિવાળી આવી ગઈ હોય એવો માહોલ થઈ ગયો હતો. મુંબઈમાં તો આવી આતશબાજી ઉત્તરાયણમાં જોવા ન મળે. અમે તો એક ટ્રિપમાં બે ફેસ્ટિવલ એન્જૉય કર્યા. પતંગ ચગાવવાનો માહોલ અમારા માટે અદ્ભુત બની રહ્યો.’