ગુજરાત: દાહોદમાં મહાકુંભથી પરત ફરતા અકસ્માત, 4ના મોત તો અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ

16 February, 2025 07:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Maha Kumbh Accidents: રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વિટર પર લખ્યું, પ્રયાગરાજના મિર્ઝાપુર હાઈવે પર રોડ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું...."

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ સાથે પ્રગાયરાજ જતાં રસ્તા પર એક અકસ્માત થયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હાલમાં જુદી જુદી ઘટનાઓમાં લગભગ 15 લોકોના મૃત્યુ થયા હોવાની ઘટનાઓ સામે આવી છે.

ગુજરાતના દાહોદ જિલ્લામાં 15 ફેબ્રુઆરી શનિવારે પ્રયાગરાજમાં મહાકુંભથી યાત્રાળુઓને લઈ જતી એક પર્યટક વૅન એક ઉભા ટ્રક સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં જેમાં ચાર લોકોના મોત થયા હતા અને છ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ઇન્દોર-અમદાવાદ હાઇવે પર લીમખેડા નજીક રાત્રે લગભગ 2.15 વાગ્યે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 10 યાત્રાળુઓને લઈ જતી ટુરિસ્ટ વૅન રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકોમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ અંકલેશ્વરના રહેવાસી દેવરાજ નકુમ (49) અને તેની પત્ની જસુબા (47) અને ધોળકાના રહેવાસી સિદ્ધરાજ ડાભી (32) અને રમેશ ગોસ્વામી (47) તરીકે થઈ છે.

મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઇવે પર પણ શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 19 ઘાયલ થયા હતા. આ અકસ્માત બોલેરો કાર અને બસ વચ્ચે થયો હતો. બોલેરોમાં સવાર દરેક મુસાફરો છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા તમામ 19 લોકો છત્તીસગઢ, મધ્યપ્રદેશના રહેવાસી હતા. હાલમાં ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુ એક ઘટનામાં શનિવારે વહેલી સવારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ફિરોઝાબાદ જિલ્લામાં બસમાં આગ લાગવાથી રાજસ્થાનના એક 33 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું, જે મહાકુંભથી પરત ફરી રહ્યો હતો. પોલીસ અધિક્ષક રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે યાત્રાળુઓ મહાકુંભમાં હાજરી આપવા ગયા હતા. સંગમમાં સ્નાન કર્યા પછી, તે દર્શન માટે અયોધ્યા ગયો અને ત્યાંથી પાછો ફરી રહ્યો હતો. બસમાં સવાર 52 મુસાફરોમાં રાજસ્થાનના નાગૌરનો પવન શર્મા પણ હતો. શુક્રવારે રાત્રે બસ અયોધ્યાથી નાગૌર જવા રવાના થઈ હતી. જ્યારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર સવારે લગભગ 4 વાગ્યે એક વાહનમાં આગ લાગી ગઈ.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વિટર પર લખ્યું, પ્રયાગરાજના મિર્ઝાપુર હાઈવે પર રોડ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ થયેલા તમામ લોકોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. તમને જણાવી દઈએ કે શુક્રવારે મોડી રાત્રે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઈવે પર બસ અને એસયુવી વચ્ચે થયેલી ટક્કરમાં એસયુવીમાં મુસાફરી કરી રહેલા તમામ 10 લોકોના મોત થયા હતા.

kumbh mela road accident prayagraj droupadi murmu social media national news gujarat news dahod ahmedabad