ગુજરાતની બધી બેઠકો જ નહીં, એકેએક પોલિંગ બૂથ જીતવું છે

03 May, 2024 09:32 AM IST  |  Jamnagar | Gujarati Mid-day Correspondent

ગુજરાતની બધી બેઠકો જ નહીં, એકેએક પોલિંગ બૂથ જીતવું છે એમ કહીને નરેન્દ્ર મોદીએ પેજપ્રમુખોને મતદાનનો નવો આઇડિયા આપ્યો : સવારે ૧૦ વાગ્યામાં સરઘસ કાઢીને ૨૫–૩૦ મતદારોને લઈને થાળી વગાડતાં-વગાડતાં અને પ્રભાતિયાં ગાતા હોઈએ એમ ગીતો ગાતાં-ગાતાં મતદાન કરવા જાઓ

નરેન્દ્ર મોદીની જામનગરની સભામાં BJPના સપોર્ટરો

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો રેકૉર્ડબ્રેક વિજય થાય એ માટે આ ‍વખતની લોકસભાની ચૂંટણીમાં નવી જ સ્ટાઇલમાં મતદાન કરવા જવાનો આઇડિયા નરેન્દ્ર મોદીએ આપ્યો છે. 
ગુજરાતમાં ગઈ કાલે નરેન્દ્ર મોદીએ વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં વિજય વિશ્વાસ સભાઓને સંબોધી હતી. તેમણે સભામાં ઉપસ્થિત ગુજરાત BJPના નેતાઓ, કાર્યકર્તાઓને અપીલ કરતાં કહ્યું હતું કે ‘મારો આગ્રહ છે કે સવારમાં દરેક પેજપ્રમુખ ૨૫–૩૦ વોટરને સાથે લઈને થાળી વગાડતાં-વગાડતાં, પ્રભાતિયાં ગાતા હોઈએ એમ ગીત ગાતાં-ગાતાં મતદાન મથકે જાય. સવારે ૧૦ વાગ્યા સુધીમાં સરઘસ નીકળે અને મત આપીએ તો જોઈ લો બાપુડી, પાક્કે પાયે મતદાનના રેકૉર્ડ તૂટી જાય. લોકશાહીનો ઉત્સવ મનાવતાં-મનાવતાં વોટ આપવા જાય. લોકશાહીનો ઉત્સવ હોવો જોઈએ. પોલિંગ બૂથોનાં તમામ ઘરોમાં ઉત્સવનું વાતાવરણ હોય. ગુજરાતે તો જબરદસ્ત ઉત્સવ મનાવવો જોઈએ.’
મતદારોની સૂચિના પ્રત્યેક પેજ એટલે કે પૃષ્ઠ પર જે મતદારોનાં નામ હોય છે તેમની સાથે સંપર્કમાં રહેવા માટે પેજપ્રમુખની નિયુક્તિ થાય છે.

નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને પાનો ચડાવતાં કહ્યું હતું કે ‘હવે છવ્વીસે છવ્વીસ સીટો આપો એ બરાબર છે. તમે ૨૦૧૪માં આપી અને ૨૦૧૯માં આપી, પણ આ વખતે મારે વધારે જોઈએ છે. મારી અપેક્ષા છે કે ગરમી ગમેતેટલી હોય, કામ ગમેતેટલાં હોય પણ આપણા ગુજરાતે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે મતદાનનો રેકૉર્ડ કરવો પડે. આપણા ગુજરાતે અત્યાર સુધી મતદાનના બધા રેકૉર્ડ તોડવા પડે. તોડશો? પ્રત્યેક પોલિંગ બૂથમાં જોર લગાવશો? એના માટે મહેનત કરવી પડે. સાતમી તારીખ સુધી પગ વાળીને બેસવાનું નથી. મારે તમારી પાસે બે ચીજ જોઈએ છે. એક, મતદાનના જેટલા પણ રેકૉર્ડ તમારા ગામમાં, તમારા બૂથમાં હોય એ બધા તૂટવા જોઈએ અને એના કરતાં વધારે મતદાન થવું જોઈએ. કરશો? બીજું કામ, લોકસભા કે વિધાનસભાની પેટાચૂંટણીઓ જીતી જવી છે એટલું જ નહીં, આ વખતે મારે બધા પોલિંગ બૂથ જીતવાં છે. એકેય પોલિંગ બૂથમાં BJPનો ઝંડો ઝૂકવો ન જોઈએ. તમારી મદદ વગર જિતાય? મદદ કરશો? આશીર્વાદ આપશો? ગામમાં નાનાં સરઘસ કાઢીને જજો, લોકતંત્રનો ઉત્સવ મનાવીએ અને વોટ કરીએ.’ 

Lok Sabha Election 2024 Lok Sabha narendra modi bharatiya janata party gujarat gujarat news jamnagar junagadh