લીલી પરિક્રમામાં પહેલી વાર બની અઘટિત ઘટના, ૧૧ વર્ષની દીકરી પર દીપડાનો હુમલો

25 November, 2023 09:33 AM IST  |  Junagadh | Shailesh Nayak

ફૅમિલીની નજર સામે દીપડો દીકરીને ૫૦થી ૬૦ મીટર અંદર ખેંચી ગયો. પરિવાર પાછળ દોડ્યો, પણ તેને બચાવી ન શકાઈ ઃ ભારે જહેમત બાદ ૧૦ કલાકના અંતે વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો

હુમલો કરનાર દીપડાને વન વિભાગે પકડીને પાંજરામાં પૂર્યો હતો અને લીલી પરિક્રમા કરવા આવેલી પાયલ.

અમદાવાદ ઃ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વર્ષોથી યોજાતી લીલી પરિક્રમાના ઇતિહાસમાં પહેલી વાર અઘટિત ઘટના બની છે. ગિરનાર પર્વત ફરતે ચાલી રહેલી લીલી પરિક્રમા દરમ્યાન ગઈ કાલે વહેલી સવારે ૧૧ વર્ષની એક દીકરી પર દીપડાએ હુમલો કરીને તેને જંગલની અંદર ૫૦થી ૬૦ મીટર ખેંચી જઈને ફાડી ખાધી હતી. ફૅમિલીની નજર સામે બનેલી આ ઘટનાથી પરિવાર હતપ્રભ થઈ ગયો હતો અને દીકરીનો મૃતદેહ મળી આવતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. દીપડાની દહેશતથી પદયાત્રીઓ ભયભીત બન્યા છે. જોકે વન વિભાગે ભારે જહેમત બાદ ૧૦ કલાકના અંતે દીપડાને પકડીને પાંજરે પૂર્યો હતો.

દીપડાના હુમલાથી મૃત્યુ પામનાર દીકરીના ફૅમિલી-સભ્ય અજયભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજુલા તાલુકાના વિક્ટર ગામે રહેતા લક્ષ્મણભાઈ સાકેટ અને પરિવારના સભ્યો લીલી પરિક્રમામાં ભાગ લેવા ગયા હતા ત્યારે ગઈ કાલે સવારે ૬ વાગ્યે બોરદેવી પાસે અચાનક એક દીપડો ધસી આવ્યો અને અમારી છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૧ વર્ષની દીકરી પાયલને ખેંચી ગયો હતો. એ સમયે ફૅમિલીના સભ્યો બેબાકળા થઈ ગયા હતા. દીકરીને બચાવવા દીપડાની પાછળ દોડ્યા હતા, પરંતુ દીપડો જંગલમાં અંદર સુધી જતો રહ્યો હતો.’
આ ઘટનાની જાણ થતાં હતપ્રભ પરિવારને મદદ કરનાર રાજુલા મતવિસ્તારના બીજેપીના વિધાનસભ્ય હીરાભાઈ સોલંકીએ ‘મિડ-ડે’ને આ ઘટના વિશે કહ્યું કે ‘લીલી પરિક્રમાના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે કે પરિક્રમા દરમ્યાન કોઈ જંગલી પ્રાણી કોઈ મનુષ્યને ખેંચી ગયું હોય અને તેનું મૃત્યુ નીપજાવ્યું હોય. બાકી, આ પહેલાં ક્યારેય કોઈ જનાવરે યાત્રીઓ પર હુમલો નથી કર્યો. આ દીકરી પાયલ પરિવાર સાથે પરિક્રમા કરી રહી હતી એ દરમ્યાન સવારે ફ્રેશ થવા ગઈ હશે ત્યારે દીપડો અચાનક ધસી આવ્યો અને તેને ખેંચી ગયો. દીકરીના પિતા સામે આ ઘટના બની હતી. આ પરિવાર મારા મતવિસ્તારનો છે. આ બનાવની જાણ થતાં મેં ગુજરાતના વનપ્રધાન મૂળુભાઈ સાથે ટેલિફોન પર વાત કરીને દીકરીના પરિવારને મદદ કરવા અને વન વિભાગને જાણ કરીને ઍમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.’

લીલી પરિક્રમાના રૂટ પર બોરદેવી રાઉન્ડના બાવળકાંટ વિસ્તારમાં ગઈ કાલે વહેલી સવારે ૬ વાગ્યે દીપડાએ ૧૧ વર્ષની પાયલ પર હુમલો કર્યો હતો અને તેને જંગલમાં ૫૦થી ૬૦ મીટર સુધી ખેંચી ગયો હતો. વન વિભાગને આ ઘટનાની જાણ પરિવારના સભ્યોએ કરતાં ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરતાં પાયલનો મૃતદેહ તેમને મળ્યો હતો. દીપડો અન્ય કોઈ પદયાત્રીઓ પર હુમલો કરે એ પહેલાં જ તેને પકડી લેવા માટે જૂનાગઢ વન વિભાગના અધિકારીના માર્ગદર્શનમાં વન વિભાગનો સ્ટાફ તેમ જ ટ્રૅકર-ટીમ ઘટનાસ્થળે દોડી આવી  હતી. ચાર પાંજરાં લાવીને બાવળકાંટ વિસ્તારમાં ગોઠવી દીધાં હતાં. આ સ્થળે જંગલ ગીચ હોવાથી અને પદયાત્રીઓની અવરજવર ચાલુ હોવાથી તેમની સુરક્ષાને લઈને રેસ્ક્યુ કામગીરી કરવી મુશ્કેલ હતી છતાં ભારે જહેમત બાદ ૧૦ કલાકની રેસ્ક્યુ કામગીરી બાદ અંતે સાંજે સાડાપાંચ વાગ્યે દીપડાને વન વિભાગે રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો હતો અને સક્કરબાગ ઝૂને સોંપ્યો હતો. ગઈ કાલે સાંજે ગમગીની વચ્ચે પાયલની અંતિમક્રિયા કરવામાં આવી ત્યારે વાતાવરણમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. 

gujarat news junagadh gujarati mid-day