14 January, 2025 03:45 PM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
કચ્છના સફેદ રણમાં અવનવી સાઇઝની રંગબેરંગી પતંગો ઊડી હતી.
ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ ગઈ કાલે રંગબેરંગી પતંગોથી રંગીન બની ગયું હતું. ભારત ઉપરાંત ૯ દેશોના પતંગબાજોએ રંગબેરંગી વિશાળકાય પતંગો ચગાવતાં સફેદ રણમાં ઊડેલાં રંગીન પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. બીજી તરફ આજે ઉત્તરાયણમાં ગુજરાતમાં હવા માફકસર રહેવાની આગાહી કરવામાં આવતાં પતંગરસિયાઓને પતંગ ઉડાવવામાં ટેન્શન નહીં રહે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત કચ્છના ધોરડોમાં ગઈ કાલે ભારત તેમ જ ૯ દેશના પચાસથી વધુ પતંગબાજોએ અવનવી પતંગો ચગાવી હતી. કચ્છના પ્રશાસન અને આગેવાનોએ પતંગબાજોને આવકાર્યા હતા. બેલારુસ, ભુતાન, ઇન્ડોનેશિયા, ડેન્માર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, ટર્કી અને ટ્યુનિશિયાના તેમ જ મહારાષ્ટ્ર, સિક્કિમ, વેસ્ટ બંગાળ રાજ્યના તેમ જ કચ્છના સ્થાનિક પતંગબાજોએ વહેલી સવારથી એક પછી એક વિશાળકાય તેમ જ અવનવી ડિઝાઇન્સનાં પતંગ ચગાવીને શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કચ્છના ધોરડોની જેમ દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં અડાજણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્સાહભેર ઊજવાયો હતો. દેશ-વિદેશના ૭૦ જેટલા પતંગબાજોએ વિશાળકાય પતંગ ચગાવીને લોકોને આકર્ષણ પૂરું પાડ્યું હતું.
ગુજરાતના પતંગરસિયાઓને આજે ઉત્તરાયણ અને કાલે વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની મોજ આવી જશે, કેમ કે બે દિવસ હવા માફકસરની રહેવાની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસ દરમ્યાન પવનની ગતિ અને દિશા અનુકૂળ રહેશે અને આકાશ એકદમ સ્વચ્છ રહેશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના આગલા બે દિવસ પતંગરસિકોએ દોરી, પતંગ સહિત એને લગતી સાધનસામગ્રીની ખરીદી કરી હતી. એમાં પણ છેલ્લા બે દિવસ અને ખાસ કરીને ગઈ કાલે પતંગબજારોમાં ભારે ભીડ જામી હતી. અમદાવાદમાં રાયપુર, દિલ્હી દરવાજા, ટંકશાળ સહિતનાં અનેક પતંગબજારોમાં રવિવારે મોડી રાત સુધી પતંગ-દોરીની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં રાયપુર પતંગબજારમાં રવિવારે મોડી રાત સુધી પતંગ ખરીદવા માટે લોકોની ભીડ જામી હતી. તસવીરો: જનક પટેલ
નાગપુરમાં નાયલૉન માંજા પર બુલડોઝર
નાગપુર પોલીસ દ્વારા લૉન્ચ કરવામાં આવેલું ‘સે નો ટુ નાયલૉન માંજા’ અભિયાન અંતર્ગત ગઈ કાલે ૧૮ લાખ રૂપિયાના નાયલૉન માંજાનો બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.
ચાઇનીઝ માંજા સામે વારાણસીમાં ગંગામાં અભિયાન
ગઈ કાલે વારાણસીમાં ગંગા નદીમાં ચાઇનીઝ માંજાને દૈત્યરૂપે દર્શાવીને એની વિરુદ્ધમાં બોટમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ચાઇનીઝ માંજાના વિરોધીઓએ તેમના બૅનરમાં લખ્યું હતું : મૈં ચાઇનીઝ માંઝા હૂં, સબકા ખૂન પીતા હૂં.