ગુજરાત: કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકા, હવે આ વિસ્તારમાં ધ્રુજી ધરતી

23 September, 2024 04:23 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Kutch Earthquake: ભૂકંપ સવારે 10.05 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે 23 સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત ધરતી ધ્રૂજી હતી. કચ્છમાં સવારે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (Kutch Earthquake) અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપની પ્રવૃત્તિને કારણે જિલ્લામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.05 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં હતું. ISR ડેટા અનુસાર, રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આ મહિનામાં અત્યાર સુધીમાં ચાર વખત ત્રણથી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ગુજરાત સિસ્મિક એક્ટિવિટીની દ્રષ્ટિએ સંવેદનશીલ રાજ્ય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર, આ પ્રદેશમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. GSDMA અનુસાર, 2001નો કચ્છનો ભૂકંપ બે સદીઓથી વધુ સમયમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. ગુજરાતમાં (Kutch Earthquake) વર્ષ 2001માં ભૂકંપના જોરદાર આંચકાને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. જેમાં જાનમાલનું મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ પાસે હતું, જેના કારણે સમગ્ર રાજ્ય પ્રભાવિત થયું હતું. GSDMA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપમાં લગભગ 13,800 લોકોના મોત થયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

આ સાથે ગુજરાતના કચ્છમાં 28 જૂન 2024ના રોજ બપોરના સમયે વધુ એક વખત ભૂકંપનો આંચકો નાગરિકોએ અનુભવ્યો હતો. કચ્છના લખપત વિસ્તારના દયાપર અને એની આસપાસના વિસ્તારમાં ૩.૪ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ (Kutch Earthquake) લખપતથી આશરે પચીસ કિલોમીટર દૂર નોંધાયું હતું, જેની હળવી અસર લખપત પંથકમાં થઈ હતી. બપોરે ૩.૫૦ વાગ્યે ૩.૪ની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના હળવા આંચકાથી ઘરમાં તેમ જ દુકાનોમાં રહેલા લોકો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી કોઈ મુશ્કેલી સર્જાઈ નથી.

તેમ જ દિલ્હી-એનસીઆરમાં બુધવાર 11 સપ્ટેમ્બરે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું. ઇસ્લામાબાદ (Kutch Earthquake) અને લાહોરમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધવામાં આવી. ભૂકંપના આંચકા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં અનુભવવામાં આવ્યા. અફઘાનિસ્તાન પણ આ આંચકાઓથી હલી ગયું. જણાવવાનું કે છેલ્લા બે અઠવાડિયામાં બીજીવારમાં દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. પૃથ્વી પર સાત ટેક્ટોનિક પ્લેટ્સ હોય છે. આ પ્લેટ્સ સતત સરકતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, ભટકાય છે અથવા ખરડાય છે, એકબીજા પર બેસે છે અથવા વચ્ચે ફોડ પડીને દૂર થાય છે, ત્યારે ત્યારે જમીન ખસવા માંડે છે. આને જ ભૂકંપ કહેવાય છે. ભૂકંપને માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે જેને રિક્ટર મેગ્નીટ્યૂડ સ્કેલ કહેવાય છે.

kutch earthquake gujarat news gujarat gandhinagar ahmedabad