કચ્છના રાપરમાં પાકિસ્તાનની જય બોલાઈ

13 February, 2024 07:25 AM IST  |  Mumbai | Shailesh Nayak

હા, જોકે એમાં બફાઈ ગયું: સ્વામીનારાયણ મંદિરના કે. પી. સ્વામી ભારત માતા કી જય, સનાતમ ધર્મ કી જય, રામચંદ્ર ભગવાન કી જય... પછી ફક્ત બોલ્યા ‘પાકિસ્તાન’ એટલે લોકો વગર વિચાર્યે ઉતાવળમાં ‘જય’ બોલી ઊઠ્યા

વાયરલ તસવીર

કચ્છના રાપરમાં સ્વામીનારાયણ મંદિરના કે. પી. સ્વામીએ ભારત માતાની, સનાતન ધર્મની, રામચંદ્ર ભગવાનની અને કૃષ્ણ ભગવાનની જય બોલાવતાં-બોલાવતાં પાકિસ્તાનની પણ જય બોલાવી નખાવી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકોએ પણ કંઈ સમજ્યા-વિચાર્યા વિના જય બોલી નાખ્યું, પછી ખબર પડી કે આ તો બફાઈ ગયું છે અને જય બોલવાની ઉતાવળમાં દુશ્મન દેશની જય બોલાઈ ગઈ. બીજી તરફ દુશ્મન દેશની જય બોલાવવાના મુદ્દે વિવાદ ઊઠ્યો છે કે સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી દીધી.

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલી રીતે ગુજરાતમાં આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને તેના કાર્યક્રમ ગુજરાતમાં અનેક સ્થળે થયા હતા, એમાં કચ્છના રાપરમાં સ્વામીનારાયણ ગુરુકુળ ગ્રાઉન્ડમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના કાળુપુર તાબા હેઠળના ભુજ સ્વામીનારાયણ મંદિરના કે. પી. સ્વામીએ સ્ટેજ પરથી જય બોલાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં કે. પી. સ્વામી એવું બોલતા જણાય છે કે ‘ભારત માતા કી,’ સામે બેઠેલા લોકો બે હાથ ઊંચા કરીને કહે છે ‘જય.’ આવી રીતે સ્વામીએ ભારત માતા કી, સનામત ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી જય બોલાવ્યા બાદ કહ્યું કે ‘પાકિસ્તાન કી...’ અને સામે બેઠેલા લોકો ઉત્સાહના અતિરેકમાં ‘જય’ બોલી ગયા હતા. આ વિડિયો વાઇરલ થતાં દુશ્મન દેશની જય બોલાવવાના મુદ્દે વિવાદ ઊઠ્યો છે કે સ્વામીએ પાકિસ્તાનની જય કેમ બોલાવી.

જય બોલાવ્યાના અને વાઇરલ થયેલા વિડિયોના મુદ્દે સ્વામીનારાયણ મંદિરના કે. પી. સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મેં પાકિસ્તાનની જય બોલાવી નથી. મેં ભારત માતા, સનાતન ધર્મ, કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, વંદેમાતરમ, ગાય માતાની, હિન્દુ રાષ્ટ્રની જય બોલાવી હતી, પછી મેં વિચાર્યું કે લોકોમાં કેટલી સમજણશક્તિ છે, આપણા લોકો કેટલા જાગ્રત છે એ માટે ‘પાકિસ્તાનની...’ એમ બોલ્યો અને પછી ‘જય’ બીજા બોલ્યા. એ પછી મેં કહ્યું, ‘ભાઈ, તમે ભારત દેશનું અનાજ ખાઓ છો, ભારત દેશમાં રહો છો તો એટલીય તમારામાં પકડ નથી કે જય બોલી નાખો. તમારામાં એટલીય સજાગતા નથી કે જય બોલો છો’ એમ કહ્યું હતું. બાકી વિઘ્નસંતોષીઓએ એને કાપીને આ કટકો મૂક્યો છે. હું સનાતન ધર્મનો સાધુ છું. ભારત માતાનું સંતાન છું. આપણે થોડી શત્રુની જય બોલાવીએ? કોઈ જય બોલે તો કહી દઈએ કે ભાઈ, તારું અહીં કામ નથી, મારા દેશમાં રહેવાનું. આ તો વિઘ્નસંતોષી હોય, સનાતન ધર્મના વિરોધી હોય એવાં તત્ત્વોએ કાપીને મૂક્યું છે, પણ બીજી વખત સજાગ રહીશું.’

 

 

gujarat news swaminarayan sampraday kutch pakistan