જન્માષ્ટમી માટે ગુજરાતનાં કૃષ્ણ મંદિરોમાં જબરદસ્ત ઉત્સાહ

07 September, 2023 09:05 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

દ્વારકા, ડાકોર, શામળાજી ઉપરાંત અમદાવાદના સોલા ભાગવત, ઇસ્કૉન મંદિરમાં કૃષ્ણ ભગવાનનો જન્મદિન ઊજવવા કરાઈ આધ્યાત્મિક તૈયારીઓ : પૂજાઅર્ચના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સુરતની એક સ્કૂલમાં બાળકોએ રાધાકૃષ્ણના વેશમાં ક્લાસ અટેન્ડ કરતાં છવાઈ ગયો કૃષ્ણરંગ

આજે સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઊજવવા માટે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણી માટે ગુજરાતનાં કૃષ્ણ મંદિરોમાં થનગનાટ જોવા મળ્યો હતો. દ્વારકા, ડાકોર, શામળાજી ઉપરાંત અમદાવાદના સોલા ભાગવત, ઇસ્કૉન મંદિરમાં કૃષ્ણ ભગવાનનો જન્મદિન ઊજવવા આધ્યાત્મિક તૈયારીઓ કરાઈ છે. રણછોડરાયજીનાં મંદિરોમાં પૂજાઅર્ચના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને કૃષ્ણ જન્મોત્સવમાં ભાવિકો હરખભેર લીન થશે.

અમદાવાદના ઇસ્કૉન મંદિરને રંગબેરંગી છત્રીઓ અને ભરતકામથી શણગારાયું હતું

ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભાવિકો દર્શન કરવા ઊમટ્યા હતા. દ્વારકા, ડાકોર, શામળાજી, અમદાવાદમાં આવેલા સોલા ભાગવત મંદિર અને ઇસ્કૉન મંદિર સહિતનાં મંદિરોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા માટે લાખો ભાવિકો એક દિવસ વહેલા કૃષ્ણ મંદિરોમાં પહોંચી ગયા હતા. અરવલ્લીના શામળાજીમાં આવેલા ભગવાન શામળિયાજીના મંદિરમાં જન્માષ્ટમીનું પર્વ ધામધૂમથી ઊજવાશે. ૧૦૦થી વધુ મટકી ફોડ કાર્યક્રમ યોજાશે તેમ જ શોભાયાત્રા નીકળશે. દ્વારકામાં દ્વારકાધીશને સોનાચાંદીના તારથી ડિઝાઇન કરેલા કેસરિયા રંગના વાઘા ધારણ કરાવામાં આવશે. ડાકોરમાં પ્રભુશ્રી રણછોડરાયજીના મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે. મંદિરોને રોશનીથી શણગારાયાં છે તેમ જ મંદિરોમાં સુશોભન કરાયું છે. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવવાના હોવાથી ભાવિકોના ધસારાને પહોંચી વળવા પણ વ્યવસ્થા કરાઈ છે. બીજી તરફ ગઈ કાલે ગુજરાતની શાળાઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હતી. શાળાનાં  બાળકો રાધાકૃષ્ણની વેશભૂષામાં આવ્યાં હતાં. ઘણીબધી શાળાઓમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

janmashtami dahi handi surat ahmedabad gujarat gujarat news shailesh nayak