23 August, 2019 10:35 AM IST | ડાકોર
ડાકોરમાં જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઊજવાશે
જગતનો નાથ એટલે ભગવાન શ્રીકૃષ્ણ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા યાત્રાધામ ડાકોરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રણછોડરાય મંદિરમાં શનિવારે જન્માષ્ટમી પર્વના દિવસે દર્શનના સમયમાં રોજિંદા કરતાં વધારો કરવામાં આવ્યો છે જેમાં તા. ૨૪ ઑગસ્ટે સવારના ૬.૩૦ વાગ્યે નિજમંદિર ખૂલી ૬.૪પ વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર સેવાપૂજા થશે. બપોરે ૧થી ૧.૩૦ના અરસામાં શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે. ૪.૪પના અરસામાં નિજમંદિર ખૂલી પાંચ વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતી થયા બાદ નિત્યાક્રમાનુસાર સેવાપૂજા થશે. રાત્રિના ૧ર વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે, પંચામૃત સ્નાન થશે, ત્યાર બાદ દાગીના ધરાવાશે. રાત્રિના ૧.૩૦થી ર.૧પના અરસામાં મોટો મુગટ ધરાવાશે. રાત્રિના બેથી ત્રણ કલાકના અરસામાં ભગવાન શ્રી ગોપાલલાલજી મહારાજ સોનાના પારણામાં ઝૂલશે.