Jamnagar-Kalavad Accident : ઈકો-ટ્રેક્ટર વચ્ચે ટક્કર, આખા પરિવારનું ઘટનાસ્થળે જ થયું મોત

02 October, 2023 12:20 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Jamnagar-Kalavad Accident : એક ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરને કારણે ઇકોમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ગુજરાત રાજ્યમાં દિવસે-દિવસે રોડ અકસ્માતોની અનેક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ દુર્ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. આજે આવી જ એક દુર્ઘટના જામનગર (Jamnagar-Kalavad Accident)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરને કારણે ઇકોમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિયલમાં લઈ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર જામનગર તાલુકાના મસિતિયા ગામના સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં બેસીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ પરિવારને જામનગર-કાલાવાડ હાઇવે (Jamnagar-Kalavad Accident) પર મોટી માટલી ગામ પાસે ભીષણ અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઇ હતી. અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઇકો અને ટ્રેક્ટર વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. 2 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. પરંતુ ગ્રામજનોની તાત્કાલિક બચાવ કામગીરીને કારણે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર મળી રહી છે.

જામનગર-કાલાવડ હાઇવે (Jamnagar-Kalavad Accident) પર રવિવારની રાત્રે મોટી માટલી ગામ નજીક આ ગોઝારો અકસ્માત બન્યો હતો. આ અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીર સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જેમ-જેમ આ ગોઝારા અકસ્માતની જાણ થઈ તેમ-તેમ આજુબાજુના ગામમાંથી અનેક લોકો ભેગા થઈ ગયા હતા.

સ્થાનિકોએ તરત જ આ ગોઝારા અકસ્માત અંગેની જાણ પોલીસને કરી નાખી હતી. આ સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઇકોમાં સવાર સૈયદ આમનશા બાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાએ તો ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. 

જામનગર-કાલાવાડ હાઇવે (Jamnagar-Kalavad Accident) પર થયેલા આ ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ સર્જાયો છે. આ સાથે જ મસિતિયા ગામમાં પણ દુઃખદ વાતાવરણ છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસમભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

road accident jamnagar gujarat news gujarat