બાપાનું નિવાસસ્થાન છે એ બાપાની જગ્યા છે, મંદિર નથી

08 November, 2024 11:56 AM IST  |  Virpur | Gujarati Mid-day Correspondent

જલારામબાપાની પાંચમી પેઢીના વંશજ ભરત ચાંદ્રાણી કહે છે…

વીરપુરમાં આજે બીજી દિવાળી

નિઃસ્વાર્થ સેવા અને સમર્પણના પ્રતીક બનેલા અને પ્રભુ શ્રીરામમાં શ્રદ્ધા અને તેમની ભક્તિમાં લીન થયેલા જલારામબાપાની ભક્તિએ લોકોમાં એવી તો અલખ જગાવી કે શ્રદ્ધાળુઓ તેમને ઈશ્વર માની રહ્યા છે ત્યારે જલારામબાપાની પાંચમી પેઢીના વારસદાર–વંશજ ભરત ચાંદ્રાણી ‘મિડ-ડે’ને કહે છે, ‘વીરપુરમાં જલારામબાપાનું મૂળ સ્થાનક છે, બાપાનું નિવાસસ્થાન છે એ બાપાની જગ્યા છે; મંદિર નથી. મંદિર ભગવાનનું હોય. બાપા રામના ઉપાસક હતા. બાપાએ પોતાને રામભક્ત તરીકે પ્રસ્થાપિત કર્યા છે. આ સ્થળ જલારામબાપાની જગ્યા કહેવાય છે. વીરપુરમાં જલારામબાપાનું આ મૂળ સ્થાન છે એ એક જ છે, એનું બીજી કોઈ જગ્યાએ કનેક્શન નથી. દેશવિદેશમાં બાપાનાં મંદિરો છે એ બધાં પોતપોતાની રીતે અલગ-અલગ ટ્રસ્ટ કે અન્ય કોઈ દ્વારા ચાલે છે. બાપાનો મૂળ સિદ્ધાંત હતો આંગણે આવેલાને કોઈ પણ જાતના ભેદભાવ વગર, આદરપૂર્વક, પ્રેમપૂર્વક રોટલો આપવો. આ મૂળ સિદ્ધાંતને વળગીને જ આજ સુધી અમે ચાલી રહ્યા છીએ. બીજા કોઈ ઉપક્રમમાં અમે ગયા નથી કે જઈશું પણ નહીં.’  

૨૨૫મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વીરપુરમાં કરવામાં આવેલી જલારામબાપાની અદ‍્ભુત રંગોળી, જેમાં તેમના સૂત્ર ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો’ને રજૂ કરવામાં આવ્યું છે. (તસવીરો : કિશનસિંહ મોરબિયા, વીરપુર)

માત્ર ભજન અને ભોજન 
સતની આ જગ્યામાં કોઈ પણ જાતના દેખાડા કે આડંબર વગર સાદગીપૂર્વક જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી આજે કરવામાં આવશે એની વાત કરતાં ભરત ચાંદ્રાણી કહે છે, ‘શુક્રવારે જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતી ઊજવાશે. ઉજવણીમાં બીજું કશું જ નથી હોતું. પરિવાર દ્વારા બાપાની સમાધિનું પૂજન થાય છે, આરતી થાય છે, દર્શન થાય અને જે આવે તેને પ્રેમથી પ્રસાદ પીરસાય છે. ભજન અને ભોજન સિવાયનો બીજો કોઈ ઉપક્રમ નથી. બાપાની જન્મજયંતી છે એટલે શણગાર અને સુશોભન હોય. ગામમાં ઉત્સાહ છે. આખું ગામ રંગોળી કરતું હોય છે અને બધા પોતાની રીતે જોડાતા હોય એ સ્વભાવિક છે. બાકી બાપાની જગ્યાની અંદર સમાધિનું પૂજન, આરતી, દર્શન અને પ્રસાદ એટલું જ; બીજા કોઈ પોગ્રામ નહીં. હા, જલારામબાપાની જગ્યાએ સવારે અડધો કલાક વહેલા દરવાજા ખૂલશે. સવારે ૬ વાગ્યે દરવાજા ખૂલશે અને રાતે સાડાનવ વાગ્યે બંધ કરવાનો ટાઇમ છે, એને અડધો કલાક વધારીને ૧૦ વાગ્યે બંધ કરીશું. ભીડ વધારે હોય તો દર્શનનો અને પ્રસાદનો સમય લાંબો ચાલે છે.’  

૨૪ વર્ષથી ભેટસોગાદ બંધ 
કદાચ દુનિયામાં બહુ જ રૅર એવાં ધાર્મિક સ્થાનકો હશે જ્યાં શ્રદ્ધાળુઓ પાસેથી દાન-ભેટ નહીં લેવાતી હોય, એમાં વીરપુરની જલારામબાપાની જગ્યા અવ્વલ છે. ભરત ચાંદ્રાણી આ વિશે કહે છે, ‘૨૪ વર્ષથી અહીં કોઈ પણ જાતની ભેટસોગાદ, દાન સ્વીકારતા નથી. એની પાછળનું કોઈ કારણ નથી, પણ બાપાનું જે મિશન છે એ ચાલે એ રીતની વ્યવસ્થા હતી એવું મારા પિતાજીને લાગ્યું એટલે એ વખતથી વિનમ્રતાપૂર્વક દાન-ભેટ સ્વીકારવાનું બંધ કર્યું છે. અહીં આવો તો દાનપેટી જોવા ન મળે, ઊલટાનું બોર્ડ દેખાશે કે ક્યાંય ધરાવશો નહીં.’  

gujarat news gujarat ahmedabad religious places culture news