રથયાત્રા પહેલાં જળયાત્રા

23 June, 2024 07:49 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથને ધારણ કરાવ્યો ગજવેશનો વિશેષ શણગાર : ૧૦૮ કળશમાં સાબરમતી નદીમાંથી પાણી ભરી લાવીને થયો જળાભિષેક

બોટમાં સાબરમતીમાં જઈને ૧૦૮ કળશમાં જળ ભરવામાં આવ્યું હતું અને પછી જળયાત્રા મંદિર પહોંચી હતી જ્યાં ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળયાત્રામાં જાતજાતનાં કરતબ પણ યોજાયાં હતાં. (તસવીર - જનક પટેલ)

દેશવિદેશમાં જાણીતી બનેલી અને આધ્યાત્મિકતાની અલખ જગાવતી અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં ગઈ કાલે સવારે આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે અને ઉત્સાહપૂર્વક જળયાત્રા યોજાઈ હતી. ૧૪ ગજરાજ, બળદગાડાં, બૅન્ડવાજાં સાથે નીકળેલી જળયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા અને આ જળયાત્રા સાબરમતી નદીકિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. જળયાત્રામાં અખાડિયનોએ કરતબ બતાવ્યાં હતાં. ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અવિચલદાસ મહારાજ બોટમાં બેસીને સાબરમતી નદી વચ્ચે પહોંચ્યાં હતાં અને વિધિવિધાન સાથે નદીનું પૂજન કરીને સાબરમતી નદીમાંથી કળશમાં જળ ભર્યું હતું. ૧૦૮ કળશમાં સાબરમતી નદીમાંથી જળ ભરી લાવીને મંદિરમાં ભગવાન જગન્નાથજી પર જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની પૂજા-અર્ચના કરીને આરતી ઉતારવામાં આવી હતી અને પ્રભુનો જયઘોષ કરાયો હતો. જળયાત્રા બાદ મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાયો હતો. મંદિરમાં ગજવેશનાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. બપોર બાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે મામાના ઘરે ગયાં છે. 

gujarat ahmedabad religious places Rathyatra