અમદાવાદ તરફ વિહાર કરીને આવતાં સાધ્વીજીને વાહને ટક્કર મારી, ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં

26 January, 2025 10:04 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પૂજ્ય સાધ્વીજી શ્રી શ્રેયસપ્રજ્ઞાશ્રીજી મહારાજસાહેબની પાલખીયાત્રા ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે શ્રી પરિમલ જૈન સંઘના ઉપાશ્રયથી નીકળી હતી

પૂજ્ય સાધ્વીજી શ્રી શ્રેયસપ્રજ્ઞાશ્રીજી મહારાજસાહેબ (દેવાંવાળા) (શીલામહારાજ).

શાસનસમ્રાટ જૈન આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયનાં પૂજ્ય સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજી મહારાજસાહેબના પરિવારનાં ૬૭ વર્ષનાં પૂજ્ય સાધ્વીજી શ્રી શ્રેયસજ્ઞાશ્રીજી મહારાજસાહેબ (દેવાંવાળા) (શીલામહારાજ) સવારે છ વાગ્યે ગુજરાતના પ્રાચી ગામથી ધોલેરા તરફ વિહાર કરીને અમદાવાદ તરફ આવી રહ્યાં હતાં ત્યારે તેમને અજાણ્યા મોટા વાહને ટક્કર મારીને ટાયર નીચે કચડી નાખતાં તેઓ ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હતાં.

આ બાબતની માહિતી આપતાં જૈનાચાર્ય નંદીઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાધ્વીજી સાથે બીજાં અનેક સાધુ-સાધ્વીઓ પણ વિહાર કરી રહ્યાં હતાં. તેઓ બધાં સાધ્વીજીથી ૫૦થી ૧૦૦ મીટર દૂર ચાલી રહ્યાં હતાં. અચાનક ધોલેરા હાઇવે પર કોઈ મોટા વાહને શીલા મહારાજસાહેબને ટક્કર મારીને પાડી દીધાં હતાં અને એનાં ટાયર સાધ્વીજીના સાથળના ભાગ પર ફરી વળ્યાં હતાં, જેમાં સાથળ સાવ જ છુંદાઈ ગઈ હતી અને સાધ્વીજી ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હતાં. તેમનો સંયમપર્યાય ૪૬ વર્ષનો હતો.’

અમને આ સમાચાર સવારે સાત વાગ્યે મળ્યા હતા એમ જણાવતાં અમદાવાદના શ્રી પરિમલ જૈન સંઘના ટ્રસ્ટી રાજેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાધ્વીજી શીલા મહારાજસાહેબનો મૃતદેહ અરેરાટીભરી હાલતમાં અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અમે જૈનો પાલખીયાત્રામાં મૃત્યુ પામેલી વ્યક્તિને સમાધિમુદ્રામાં બેસાડતાં હોઈએ છીએ, પરંતુ ‌શીલા મહારાજસાહેબના મૃતદેહની હાલત બેસાડી શકીએ એવી ન હોવાથી અમારે તેમના પગ સીધા રાખીને પાલખીમાં લઈ જવા પડ્યાં હતાં. કોઈએ પણ એ વાહન જોયું ન હોવાથી હજી સુધી વાહન કે એના ડ્રાઇવરને પોલીસ પકડી શકી નથી.’

પૂજ્ય સાધ્વીજી શ્રી શ્રેયસપ્રજ્ઞાશ્રીજી મહારાજસાહેબની પાલખીયાત્રા ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે શ્રી પરિમલ જૈન સંઘના ઉપાશ્રયથી નીકળી હતી. તેમનો અગ્નિસંસ્કાર સેંકડો જૈન ભાવિકોની હાજરીમાં વી. એસ. સ્મશાનગૃહમાં કરવામાં આવ્યો હતો.

jain community gujarati community news road accident ahmedabad gujarat gujarat news news