પાલિતાણા પાસે લક્ઝરી બસે જૈન મહારાજસાહેબને અડફેટે લીધા

18 June, 2024 07:36 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સવારના ૪.૩૦ વાગ્યાની ઘટનામાં બસની ટક્કરથી વ્હીલચૅર સાથે મહારાજસાહેબ હવામાં ફંગોળાયા, માથામાં અને છાતીમાં ઈજા

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રી દેવચંદ્ર સાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ.

આંધ્ર પ્રદેશના કુર્નૂલ-હૈદરાબાદ નૅશનલ હાઇવે પર ૯ જૂનની વહેલી સવારે એક ટ્રકે વિહાર કરી રહેલા જૈન મહારાજસાહેબને ઉડાવ્યા હતા, જેમાં એક જૈન સાધુ, એક મુમુક્ષુ અને મહારાજસાહેબની વ્હીલચૅર ચલાવનારા સેવકનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાને અઠવાડિયું થયું છે ત્યાં ગઈ કાલે સવારના પાલિતાણા પાસે સાગર સમુદાયના શ્રી દેવચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજસાહેબને બસે અડફેટે લેવાની ઘટના બની હતી. આ બનાવમાં બસની ટક્કર લાગતાં મહારાજસાહેબ વ્હીલચૅર સાથે હવામાં ફંગોળાઈને માથાભેર પડતાં તેમને માથા પર તથા છાતી અને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી છે. સવારના ૪.૩૦ વાગ્યાની આ ઘટનામાં ટક્કર માર્યા બાદ બસ અંધારાનો લાભ લઈને પલાયન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક જૈનોની મદદથી મહારાજસાહેબને ભાવનગરની શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ હૉસ્પિટલમાં અૅડ‍્મિટ કરવામાં આવ્યા છે.

નવરત્ન પરિવાર અને સાગર સમુદાયના કાનપુરમાં બિરાજમાન આચાર્ય શ્રી વિશ્વરત્ન મહારાજસાહેબે આ ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે સવારના પાલિતાણા જવા માટે શ્રી દેવચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજસાહેબે ચાર સાધુઓ સાથે દેવળિયાથી વિહાર શરૂ કર્યો હતો. ૪.૩૦ વાગ્યે તેઓ મેઇન હાઇવે પર હતા ત્યારે પાછળથી આવેલી એક લક્ઝરી બસે મહારાજસાહેબની વ્હીલચૅરને ટક્કર મારી હતી. બસ સ્પીડમાં હતી એટલે વ્હીલચૅર મહારાજસાહેબ સાથે હવામાં ફંગોળાઈ હતી. મહારાજસાહેબ માથાભેર પડ્યા હતા એટલે તેમને માથા અને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી. વ્હીલચૅર ચલાવનારો સેવક એક બાજુ પડી ગયો હતો એટલે સદ્નસીબે તેને ખાસ કોઈ ઈજા નથી થઈ. એક કલાક સુધી પ્રયાસ કર્યા બાદ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. માથામાંથી લોહી નીકળતી હાલતમાં મહારાજસાહેબને ભાવનગરના પનવડી ખાતે આવેલી શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ હૉસ્પિટલમાં અૅડ‍્મિટ કરવામાં આવ્યા હતા.’

શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ હૉસ્પિટલમાં શ્રી દેવચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજસાહેબને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલના ક્રિટિકૅર કન્સલ્ટન્ટ ડૉ. ભાવેશ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાજસાહેબને સવારના ૬ વાગ્યે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના માથામાંથી ઘણું લોહી વહી ગયું છે. છાતી અને માથામાં કેટલી ઈજા થઈ છે એના રિપોર્ટ આવ્યા બાદ જ આગળની ટ્રીટમેન્ટ થઈ શકશે. મહારાજસાહેબ અર્ધ-બેભાન હાલતમાં છે. તેમને જીવનું જોખમ નથી, પણ ૨૪ કલાક ઑબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી છે.’

gujarat news gujarat jain community gujarati community news road accident