અમદાવાદની રથયાત્રામાં દિવ્યતા, ભવ્યતા અને ધાર્મિકતાનો સંગમ

21 June, 2023 11:40 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પહોંચીને પ્રભુનાં દર્શન કરીને ૧૪૬મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી કરી હતી.

અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સુખરૂપ સંપન્ન, નવા રથમાં બિરાજમાન થઈને નાથે કરી નગરચર્યા, કુમકુમ અક્ષતથી વહાલાનાં કર્યાં વધામણાં, પ્રભુની ઝાંખી કરવા હૈયાથી હૈયું ભિડાય એટલા શ્રદ્ધાળુઓ ઊમટ્યા અને રંગાયા જગન્નાથજીની ભક્તિના રંગે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી ધન્યતા અનુભવી

અમદાવાદમાં ગઈ કાલે યોજાયેલી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સુખરૂપ રીતે સંપન્ન થઈ હતી. બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નવા રથમાં બિરાજમાન થઈ ભગવાન જગન્નાનાથજી નગરચર્યા કરવા નીકળતાં ભક્તજનોએ કુમકુમ અક્ષતથી વહાલાનાં વધામણાં કર્યાં હતાં. પ્રભુની ઝાંખી જોવા હૈયાથી હૈયું ભિડાય એટલા શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા અને જગન્નાથજીની ભક્તિના રંગે રંગાયા હતા અને ‘જય જગન્નાથજી, જય રણછોડ’ના ગગનભેદી નારાથી શહેર ગુંજી ઊઠ્યું હતું.  
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પહોંચીને પ્રભુનાં દર્શન કરીને ૧૪૬મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી હતી. તેમણે રથ પાસે સોનાની સાવરણીથી પ્રભુ માટે માર્ગની સફાઈ-સેવા કરીને પહિંદ વિધિ કરી હતી અને ત્યાર બાદ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે રથનું દોરડું ખેંચીને પ્રભુના રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યો હતો ત્યારે મંદિર પ્રાંગણ અને સમગ્ર વિસ્તાર ‘જય જગન્નાથ’ના જયઘોષથી ગુંજી ઊઠ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના પ્રધાનમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહીને પ્રભુની આરતી ઉતારી હતી. તેમણે મંદિરમાં ભક્તજનો સાથે બેસીને પ્રભુની આરાધના કરી હતી.
અખાડિયનોએ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને બાળઅખાડિયનો અને યુવતીઓનાં કરતબ નિહાળી નાગરિકો દંગ રહી ગયા હતા. રથયાત્રા ભગવાનના મોસાળ પહોંચી ત્યારે ભગવાનનું મામેરું કરાયું હતું. રથયાત્રા જમાલપુર વિસ્તારમાં પ્રવેશી ત્યારે તાજિયા કમિટીના સભ્યો તેમ જ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ઉલેમા પ્રકોષ્ટ દ્વારા રથાયાત્રા તેમ જ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરાયું હતું. 

રથયાત્રામાં પહેલી વાર બાગેશ્વર ધામનો ટૅબ્લો દેખાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન થયું હતું અને એના લીધે તેઓ ચર્ચામાં આવ્યા હતા.

Rathyatra amit shah bhupendra patel gujarat news ahmedabad shailesh nayak