ઇશરત જહાં કેસમાંથી ત્રણ પોલીસ અમલદારો નિર્દોષ જાહેર

01 April, 2021 12:34 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

અગાઉ એ ત્રણ અધિકારીઓને ૧૫,૦૦૦ના પર્સનલ બૉન્ડ પર છોડવામાં આવ્યા હતા

ફાઇલ તસવીર

ગાંધીનગરની કોર્ટે વર્ષ ૨૦૦૪ના ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી ત્રણ પોલીસ અમલદારોને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત સરકારે આઇપીએસ અમલદાર જી. એલ. સિંઘલ, રિટાયર્ડ ડૅપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તરુણ બારોટ અને અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનાજુ ચૌધરી સામે કાર્યવાહીની પરવાનગી નકારતાં સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે એ ત્રણેય સામેની કાર્યવાહી રદ કરીને તેમને કેસમાંથી મુક્ત કર્યા હતા. અગાઉ એ ત્રણ અધિકારીઓને ૧૫,૦૦૦ના પર્સનલ બૉન્ડ પર છોડવામાં આવ્યા હતા.

ગઈ કાલે સ્પેશ્યલ સીબીઆઇ જજ વિપુલ રાવલે ગુજરાત પોલીસના એ ત્રણ પોલીસ અધિકારીઓની ડિસ્ચાર્જ અૅપ્લિકેશન માન્ય રાખીને તેમને મુક્ત કર્યા હતા. એ ત્રણ પોલીસ અધિકારીઓ પર મુંબઈ પાસેના મુંબ્રાની રહેવાસી ૧૯ વર્ષની ઇશરત જહાંનું અપહરણ કરીને તેને ગેરકાયદે ગોંધી રાખવા અને ગુનાહિત કાવતરું ઘડીને તેની હત્યા કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૪ની ૧૫ જૂને અમદાવાદની બહાર એન્કાઉન્ટરમાં ઇશરત જહાં અને તેના સાથીઓ જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લૈ, ઝીશાન જોહર અને અમજદ અલી રાણા માર્યા ગયા હતા. 

Gujarat