લેજન્ડ‍્સ નેવર ડાય : અમદાવાદના પતંગ મહોત્સવમાં રતન તાતાની વિશાળ પતંગ ચગી

12 January, 2025 09:39 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશવિદેશના પતંગબાજોએ અવનવા આકાર અને કદની પતંગ ચગાવી : સહેલાણીઓ વિશાળકાય પતંગો જોવા ઊમટ્યા, પણ હવા ધીમી પડતાં થોડી નિરાશા વ્યાપી

રતન તાતાની પતંગ અમદાવાદના આકાશમાં ચગી હતી.

અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશવિદેશના પતંગબાજોએ અવનવા આકાર અને કદની પતંગ ચગાવી : સહેલાણીઓ વિશાળકાય પતંગો જોવા ઊમટ્યા, પણ હવા ધીમી પડતાં થોડી નિરાશા વ્યાપી : ભૂપેન્દ્ર પટેલે તિરંગા બલૂન ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો અને નરેન્દ્ર મોદીની પતંગ પર સિગ્નેચર કરીને ચગાવી : રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પતંગબાજોની પરેડ યોજાઈ

અમદાવાદમાં ગઈ કાલથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભારતના રતન એવા ઉદ્યોગપતિ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપતી વિશાળ પતંગ અમદાવાદના આકાશમાં ચગી હતી. ‘લેજન્ડ‍્સ નેવર ડાય’ના લખાણ સાથે કર્ણાટકના પતંગબાજાેએ આ પતંગ ચગાવીને હાજર લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

અમદાવાદમાં દેશવિદેશના પતંગબાજોએ અવનવી પતંગો ચગાવી હતી. 

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તિરંગા બલૂન ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. દેશવિદેશના પતંગબાજોએ કમળ, રિંગ, ફુટબૉલ સહિત અવનવા આકાર અને કદની પતંગો ચગાવી હતી. સહેલાણીઓ વિશાળકાય પતંગોને જોવા ઊમટ્યા હતા. જોકે હવા ધીમી પડતાં પતંગબાજોમાં થોડી નિરાશા વ્યાપી હતી.

ઉતરાણનો તકિયા કલામ ‘એ કાપ્યો છે!’

ગઈ કાલથી ૧૪ જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. આજે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે રાજકોટ તથા વડોદરામાં તેમ જ ૧૩ જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગ મહોત્સવ યોજાશે.

આ પતંગ મહોત્સવમાં ગુજરાત સહિત ભારતનાં જુદાં-જુદાં ૧૧ રાજ્યો તેમ જ આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભુતાન, બ્રાઝિલ, કમ્બોડિયા, કૅનેડા, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇન્ડોનેશિયા, નેધરલૅન્ડ્સ, ફિલિપીન્સ, જપાન, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ સહિત ૪૭ દેશોમાંથી ૬૦૦થી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

ahmedabad kites festivals uttaran gujarat gujarat news news