સ્પેશ્યલ ‘ગરવી ગુજરાત ટ્રેન’માં કરો ગુજરાતની સંસ્કૃતિનાં દર્શન

06 February, 2023 11:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટૂરમાં અક્ષરધામ મંદિર, મોઢેરાનું સૂર્યમંદિર, રાણકી વાવ, સોમનાથ જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

આ ટ્રેનનું પહેલું સ્ટૉપેજ કેવડિયા રહેશે, જ્યાં વિઝિટર્સ ભારતના ફ્રીડમ ફાઇટર સરદાર વલ્લભભાઈ પટેલના મહાન વ્યક્તિત્વને રજૂ કરતું સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા માટે અહીં આવે છે.

નવી દિલ્હી : ઇન્ડિયન રેલવેએ એની ભારત ગૌરવ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાથી લોકોને પરિચિત કરાવવા માટે એક સ્પેશ્યલ ‘ગરવી ગુજરાત ટૂર’ માટે આયોજન કર્યું છે. આઇઆરસીટીસી દ્વારા ઑપરેટ કરાતી આ સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશન પરથી ૨૮ ફેબ્રુઆરીએ રવાના થશે અને એ આઠ દિવસની જર્નીમાં ૩૫૦૦ કિલોમીટરનું અંતર કાપશે. 

આ ટ્રેનનું પહેલું સ્ટૉપેજ કેવડિયા રહેશે, જે હવે ફેમસ ટૂરિસ્ટ હબ બની ચૂક્યું છે. વિઝિટર્સ ભારતના ફ્રીડમ ફાઇટર સરદાર વલ્લભભાઈ પટેલના મહાન વ્યક્તિત્વને રજૂ કરતા સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા માટે અહીં આવે છે. 

આ પણ વાંચો : કચ્છના રણમાં યોજાશે ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક

આ સ્ટૅચ્યુ ઑફ યુનિટી સિવાય આ ટૂરમાં ચાંપાનેર આર્કિયોલૉજિકલ પાર્ક, અડાલજની વાવ, ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર, મોઢેરાનું સૂર્યમંદિર અને પાટણ ખાતે રાણકી વાવનો સમાવેશ થાય છે. આ ટૂરમાં સોમનાથ જ્યોતીર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

એસી ટૂ ટાયરમાં એક વ્યક્તિની ટિકિટ ૫૨,૨૫૦ રૂપિયા, એસી-વન (કૅબિન) માટે ટિકિટ ૬૭,૧૪૦ રૂપિયા રહેશે. આ ટિકિટની કિંમતમાં ટ્રેનની મુસાફરી, એસી હોટેલ્સમાં સ્ટે, તમામ ભોજન (માત્ર વેજ), બસોમાં સાઇટસીઇંગ, ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ અને ગાઇડની સર્વિસ સામેલ છે. 

gujarat news indian railways ahmedabad statue of unity gandhinagar new delhi