23 February, 2023 09:02 AM IST | jamnagar | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ ઃ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ નાગરિકો કરી રહ્યા છે ત્યારે આ ડબલ સીઝન જામનગરનાં બાળકો માટે મુશ્કેલી બનીને આવી છે. બે સીઝનના કારણે બાળકોમાં શરદી, તાવ, ઉધરસનું ઇન્ફેક્શન વધતાં જામનગરની સરકારી હૉસ્પિટલમાં હાલમાં ૨૫૦થી વધુ બાળદરદીઓ સારવાર લઈ રહ્યાં છે. એટલું જ નહીં, બાળદરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી હૉસ્પિટલ સત્તાવાળાઓને વધારાનો વૉર્ડ પણ શરૂ કરવો પડ્યો છે.
જામનગરમાં આવેલી જી. જી. હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક તિવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિસન્ટલી બાળકોના કેસ વધી ગયા છે. હૉસ્પિટલમાં બાળકોની સારવાર કરી રહેલા ચાઇલ્ડ ડૉક્ટરના મત પ્રમાણે હાલમાં બે સીઝન ચાલી રહી હોવાથી બાળકોમાં ઇન્ફેક્શન વધી ગયું છે. શરદી, તાવ અને ઉધરસના કેસ વધ્યા છે. હાલમાં હૉસ્પિટલમાં ૨૫૦થી ૩૦૦ જેટલાં બાળદરદીઓની સારવાર ચાલી રહી છે. હૉસ્પિટલમાં બાળદરદીઓનો અલગ વૉર્ડ છે, પરંતુ રિસન્ટલી કેસ વધતાં વધારાનો વૉર્ડ પણ ખોલવામાં આવ્યો છે અને તેઓની સારવાર ચાલી રહી છે.’
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી જામનગર અને આસપાસના વિસ્તારોમાં બાળકોમાં વાઇરસજન્ય રોગનું પ્રમાણ વધતાં બાળદરદીઓની સંખ્યા વધી જતાં એક બેડ પર બબ્બે બાળદરદીઓની સારવાર કરવી પડે એવી હાલત થઈ હતી.