સારંગપુરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન

22 February, 2023 05:08 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

દેશ-વિદેશના હજારો સંતો-ભક્તોએ હાજર રહી પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં અંજલિ અર્પણ કરી

આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ અક્ષર–પુરુષોત્તમ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે

તીર્થધામ સારંગપુરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ શ્રીઅક્ષરપુરુષોત્તમ મંદિર અને શ્રીયજ્ઞપુરુષ સ્મૃતિમંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન ઉમેરાઈ રહ્યું છે - બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર! ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ કલામંડિત મંદિરની પ્રતિષ્ઠાવિધિ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીએ એટલે કે ૨૬ જાન્યુઆરીના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં સંપનન્ન કરવામાં આવી હતી.

૨૬ જાન્યુઆરીના રોજ તીર્થધામ સારંગપુરમાં વસંતપંચમીના પવિત્ર દિને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠાવિધિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થઈ હતી. આ વૈદિક મહાપૂજાના સહભાગી થવા માટે સમગ્ર વિશ્વમાંથી હજારો હરિભક્તો પધાર્યા હતા. પ. પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સ્મૃતિમંદિરનો મુખ્ય પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો હતો. પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો તથા પ્રમુખ સ્મૃતિ મંદિરનો અનેરો મહિમા ગાયો હતો અને જણાવ્યું હતું કે, ‘અહીં જે આવશે તેને શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા મળશે અને શાંતિનો અનુભવ જરૂરથી થશે. તથા આ સ્મૃતિમંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન અને પ્રાર્થના કરનારના શુભ સંકલ્પો પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ પૂર્ણ કરશે.’

આ પણ વાંચો – પ્રમુખસ્વામી મારા માટે પિતાતુલ્ય: મોદી

આ કાર્યક્રમ દરમિયાન સંસ્થા દ્વારા ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જીવનગાથા’ નામનું નૂતન ઓડિયો પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્યથી લઈને મહંતસ્વામી મહારાજ દ્વારા તેઓના પ્રાગટ્ય સુધીની તેઓની જીવનગાથાને સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ કાવ્યપંક્તિઓ દ્વારા ખૂબ સુંદર રીતે ગૂંથી સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવી છે.

ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. ૧૩ ઓગસ્ટટ ૨૦૧૬ના રોજ તેઓ અંતર્ધાન થયા. તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ જ ઈચ્છા વ્યક્ત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારો અંતિમવિધિ થાય, તે પ્રમાણે જ તેઓના દિવ્યવિગ્રહની અંતિમસંસ્કાર વિધિ કરાયી હતી. આજે એ જ સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી સ્મૃતિમંદિર આકાર લઈ ચુક્યું છે.

આ પણ વાંચો – અમદાવાદ: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઊજવણીની આવી છે તૈયારીઓ, જુઓ એક ઝલક

નોંધનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરનો શિલાન્યાસ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮માં મહંતસ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિમંદિર તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ ૧૪૦ ફૂટ, પહોળાઈ ૧૪૦ ફૂટ અને ઊંચાઈ ૬૩ ફૂટ છે, જેમાં ૭,૮૩૯ પથ્થરોના સંયોજનથી ૧ ઘુમ્મટ, ૪ સામરણ અને ૧૬ ઘુમ્મટીઓ આવેલી છે. આ સ્મૃતિમંદિરના કલામંડિત સ્તંભ, ઘુમ્મટ વગેરે ભગવાન સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજના સમકાલીન સંતો-ભક્તોની શિલ્પાકૃતિઓથી અલંકૃત છે.

gujarat gujarat news ahmedabad