વાઇબ્રન્ટમાં ૨૬.૩૩ લાખ કરોડ રૂપિયાનાં એમઓયુ

13 January, 2024 09:37 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આ એક વિક્રમ છે : ૨૦૨૨માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં ૧૮.૮૭ લાખ કરોડ રૂપિયાનાં એમઓયુ થયાં હતાં : આમ બન્ને મળીને ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે ૪૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રોકાણ માટે એમઓયુ થતાં ગુજરાત સરકારે ઐતિહાસિક સિ​દ્ધિ મેળવી

વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતનન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક બુકલેટનું વિમોચન કર્યું હતું.

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એમઓયુનો કીર્તિમાન રચાયો છે. ગાંધીનગરમાં યોજાયેલી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૨૬.૩૩ લાખ કરોડ રૂપિયાનાં એમઓયુ થયાં છે, જ્યારે ૨૦૨૨માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં ૧૮.૮૭ લાખ કરોડનાં એમઓયુ થયાં હતાં. આમ બન્ને મળીને કુલ ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે ૪૫ લાખ કરોડથી વધુ રોકાણ માટે એમઓયુ થતાં ગુજરાત સરકારે ઐતિહાસિક સિ​દ્ધિ મેળવી છે. એમઓયુ સંદર્ભે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ઐતિહાસિક ઉપલ​બ્ધિ ગણાવી હતી.
જીઆઇડીસીના મૅનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ ગઈ કાલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં આ વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાને પોતાના ટ્વીટ પરથી આંકડો આપ્યો છે. આ વખતે આપણે ઐતિહાસિક સિ​દ્ધિ હાંસલ કરી છે. એ ટ્વીટ વાંચી સંભળાવું છું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં નવા કીર્તિમાન પાર કર્યા છે. ૨૦૨૨માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાઇબન્ટ સમિટમાં ૫૭,૨૪૧ પ્રોજેક્ટમાં રૂપિયા ૧૮.૮૭ લાખ કરોડનાં રોકાણોનાં એમઓયુ કર્યાં હતાં અને વાઇબ્રન્ટ સમિટની આ દસમી સમિટમાં ૪૧,૨૯૯ પ્રોજેક્ટમાં ૨૬.૩૩ લાખ કરોડ રૂપિયાનાં રોકાણો માટેનાં એમઓયુ થયાં છે. આમ ૯૮,૫૪૦ પ્રોજ્કટ માટે ૪૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રોકાણ માટેનાં એમઓયુ કરીને આપણે આ ઐતિહાસિક સિ​દ્ધિ મેળવી છે.’

તેમણે કહ્યું હતું કે ‘ત્રણ દિવસ દરમ્યાન વાઇબન્ટ ગુજરાત સમિટમાં ૭૭ જુદી-જુદી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં ભારત સરકારના ૧૭ પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. ૧૫૦ જુદા-જુદા સેમિનારનું આયોજન કર્યું હતું. ૨૮૦૦થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગનું આયોજન કર્યું હતું. ૧૪૦૦ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ્સનું આયોજન થયું હતું. ૧૩ રાજ્યોએ ૬ સેમિનારનું આયોજન કર્યું હતું. ૧૯ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.’ 

gandhinagar gujarat news gujarat bhupendra patel