13 April, 2024 10:12 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
પરષોત્તમ રૂપાલા
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનાં વિરોધ-પ્રદર્શન ચાલુ રહ્યાં છે અને આગામી રવિવારે રાજકોટ પાસે પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજ ડંકાની ચોટ પર સંમેલન કરશે એવી જાહેરાત ગઈ કાલે ગુજરાત રાજપૂત સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા એ BJP સાથે હોવાની જાહેરાત કરવામાં આવી છે.
પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી સાથે આંદોલન કરી રહેલા ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિના કરણ સિંહ ચાવડાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ રાજકીય મુદ્દો નથી, રાજકીય ચળવળ નથી; પણ શુદ્ધ સામાજિક ચળવળ છે. અમારી માગ એટલી જ છે કે હજી મોડું ના કરશો. અમે ડંકાની ચોટ પર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. આ અમારું રાજકીય સંમેલન નથી, સામાજિક સંમેલન છે. મંજૂરી મળે તો પણ કરવાના છીએ, ન મળે તો પણ કરવાના છીએ.’
એક તરફ ગુજરાતના રાજપૂત સમાજે પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ યથાવત્ રાખ્યો છે ત્યારે બીજી તરફ ગઈ કાલે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાના મુદ્દે BJPને ટેકો જાહેર કર્યો હતો. રાજકોટમાં એકઠા થયેલા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મીડિયાને કહ્યું હતું કે ‘સમગ્ર કાઠિયાવાડમાં રહેતા કાઠી સમાજના આગેવાનોએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે અમારા ઈસ્ટદેવ રામચંદ્ર ભગવાનની જે રીતે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં નરેન્દ્રભાઈ મોદીએ અને BJPએ જે ભૂમિકા ભજવી છે એનાથી અમારા સમાજને સંતોષ થયો છે. આ ચૂંટણી આવી છે ત્યારે ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. એટલે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળીને નક્કી કર્યું છે કે BJPને દરેક જગ્યાએ ટેકો આપવો.’