લિવ-ઇનમાં રહેતી યુવતીના વાળ કાપી, કપડાં કાઢી નગ્ન કરીને માર મરાયો

25 November, 2023 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વ્યારાના બોરખડી ગામે બની યુવતીની બેઇજ્જતીની હદ વટાવતી ઘટના

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વ્યારાના બોરખડી ગામે એક યુવતીની બેઇજ્જતીની હદ વટાવતી ઘટના બની છે, જેમાં લિવ-ઇનમાં રહેતી યુવતીના વાળ કાપી, તેનાં કપડાં કાઢી નગ્ન કરી માર મારતાં ચકચાર મચી ગઈ છે. લિવ-ઇનમાં આ યુવતી જેની સાથે રહેતી હતી તે મિત્રનાં માતાપિતા અને અન્ય લોકોએ આ તેના પર હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટનામાં આરોપી મહિલા સરપંચ સહિત ચાર વ્ય​ક્તિ સામે વ્યારા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તાપીના ડી.વાય.એસ.પી.સી. એમ. જાડેજાએ મીડિયાને કહ્યું હતું કે ‘બોરખડી ગામે એક બનાવ બન્યો છે, જેમાં ભોગ બનનાર બહેન તેમના એક મિત્ર સાથે રહેતાં હોવાથી તે મિત્રનાં કુટુંબી-સગાંઓને એ પસંદ ન હોવાથી આ બહેન પર તેમના મિત્રનાં માતાપિતા અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમને વાળ કાપીને હેરાન કરવામાં આવ્યાં હતાં અને સ્ત્રી દાક્ષિણ્યને નુકસાન કર્યું હતું. આ ઘટના વિશે વ્યારા પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.’
આ ઘટનામાં બોરખડી ગામનાં મહિલા સરપંચ સુનીતા ચૌધરી અને તેમના પતિ સહિતના ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

gujarat news ahmedabad Gujarat Crime