વડોદરા ડૂબ્યા બાદ તંત્રને ડહાપણ સૂઝ્યું

28 September, 2024 08:19 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

વિશ્વામિત્રી નદીના પટમાં અગોરા મૉલના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર: નદીના પટમાં બનાવવામાં આવેલાં બીજાં તેર જેટલાં ગેરકાયદે બાંધકામો પણ દૂર કરાશે

આખરે વડોદરાની વિશ્વામિત્રી નદીના પટમાં થયેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું.

મધ્ય ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં ઊભા કરી દેવામાં આવેલા અગોરા મૉલનાં ગેરકાયદે દબાણ ગઈ કાલે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને તોડી પાડ્યાં હતાં. વડોદરાના શહેરીજનોમાં એવી ચર્ચા ઊઠી હતી કે નદીમાં પૂર આવ્યું અને વડોદરા ડૂબ્યું એ પછી હવે તંત્રને ગેરકાયદે દબાણ તોડવા ડહાપણ સૂઝ્યું છે. વડોદરામાં નદીના પટમાં ઊભા કરી દેવામાં આવેલાં તેર જેટલાં ગેરકાયદે બાંધકામો પણ દૂર કરાશે.

વડોદરાની વિશ્વામિત્રી નદીના પટમાં દબાણ કરનાર અગોરા મૉલ પાસે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને કલબ હાઉસ, પ્રોટેકશન વૉલ સહિતના ગેરકાયદે દબાણ તોડી પાડ્યાં હતાં. મ્યુનિસિપલ કૉર્પોરેશનના તંત્રએ અગોરા મૉલ ઉપરાંત નદીના પટમાં ગેરદાયદે બાંધકામ કરનારા અન્ય તેર જેટલા એકમોને પણ નોટિસ ફટકારી હતી અને હવે એ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.

વડોદરાના શહેરીજનોમાં ગઈ કાલે ગેરકાયદે બાંધકામોનો વિષય ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને લોકોમાં ચર્ચા ચાલી હતી કે વિશ્વામિત્રી નદીમાં છડેચોક ગેરકાયદે બાંધકામ કરી દેનારા અગોરા મૉલ તેમ જ અન્ય ગેરકાયદે બાંધકામો સામે આંખ આડા કાન કરનાર વડોદરા તંત્ર સમક્ષ રહીશો છેલ્લાં કેટલાંક વર્ષથી ફરિયાદો કરતા હતા, પરંતુ આ દબાણો દૂર કરવામાં આવ્યાં નહોતાં; પરંતુ તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં વડોદરા ડૂબ્યુ હતું જેના કારણે નાગરિકોને આર્થિક, માનસિક અને શારીરિક રીતે ભારે યાતના, મુશ્કેલી તેમ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ સત્તાવાળાઓ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યા બાદ હવે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનું તંત્ર આળસ મરડીને બેઠું થયું છે અને ગેરકાયદે બાંધકામ સામે હથોડા ઉઠાવ્યા છે.

gujarat news vadodara Gujarat Rains Crime News gujarat