આ શિક્ષકનું નામ કેમ રઘુ રમકડું પડી ગયું?

29 September, 2024 01:09 PM IST  |  Ahmedabad | Sameera Dekhaiya Patrawala

બાળકો શોખથી રમતાં-રમતાં ભણે એ માટે બાળક સાથે બાળક બની જતા આ શિક્ષકની રાઘવમાંથી રઘુ રમકડું બનવાની અને આમમાંથી ખાસ બનવાની આખી દાસ્તાન જાણીએ

આવી નાટકીય રીતે સમજાવવાથી બાળકોમાં સારા વિચારોનો સંચાર ઝડપથી થાય છે.

શિક્ષણ આજે જ્યાં ધીકતો વેપાર બની ગયું છે ત્યાં સરકારી શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશનમાં મોંમાગી ફી લઈ સરકારી શાળાઓમાં ઉભડક ભણાવીને જલસા કરે છે. આવા સમયે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામમાં રાઘવ કટકિયા નામનો એવો સરકારી શિક્ષક છે જે ઘરનાં ફદિયાં ખર્ચીનેય દરેક બાળકને શિક્ષિત કરવા કમર કસે છે. બાળકો શોખથી રમતાં-રમતાં ભણે એ માટે બાળક સાથે બાળક બની જતા આ શિક્ષકની રાઘવમાંથી રઘુ રમકડું બનવાની અને આમમાંથી ખાસ બનવાની આખી દાસ્તાન જાણીએ

૧૯૮૭ની ૨૭ નવેમ્બરે એક મજૂર યુગલના ઘરે ત્રીજા બાળકનો જન્મ થાય છે. આ બાળક નામે ‘રાઘવ’ને નાનપણથી જ ભણવાનો બહુ શોખ. માતા-પિતા ઈંટ બનાવવા માટીકામની મજૂરી કરે એવા સમયે તેઓ જે સ્થળે હોય ત્યાં નજીકની સરકારી શાળામાં ભણવા જાય. ચોમાસું આવે એટલે કામ ન રહેતાં સૌ અમરેલી જિલ્લાના પોતાના ગામ સાજિયાવદરમાં રહે અને રાઘવ એટલે કે રઘુ ત્યાં ભણે. માતા-પિતા સાવ અંગૂઠાછાપ અને શીતળાના રોગને કારણે બન્નેએ એક-એક આંખ ગુમાવેલી હોવાથી જોવામાં તકલીફ પડે, પણ એ સમયે રાઘવની નાનકડી આંખો બાળપણથી જ મજૂરવર્ગ અને તેમનાં સંતાનોને થતી તકલીફને જોયા કરે.

ઉંમર વધવાની સાથે રાઘવનાં સપનાં પણ મોટાં થતાં ગયાં. મા-બાપ સાથે હરતાં-ફરતાં સાજિયાવદ૨, કાત્રોડી, દેવરાજિયા, તોરણિયા, ઇંગોરાળા, માણેકવાડા અને જૂનાગઢ જિલ્લાના ખડિયા જેવાં અનેક ગામડાંઓની સીમનાં પાણી પીને તેણે સાતમું ધોરણ પૂરું કર્યું. આગળ ભણવા માટે કોઈ એક જગ્યાએ ટકવું પડે એમ હોવાથી રાઘવની જવાબદારી તેનાં ઘરડાં દાદીએ સંભાળી. આ રીતે બારમું ધોરણ પાસ કર્યું. એ સમયે પ્રાઇમરી ટીચર્સ ટ્રેઇનિંગ કોર્સ (PTC)માં ઍડ્મિશન મેળવવાની ટ્રાય કરી, પરંતુ સેલ્ફ-ફાઇનૅન્સ કૉલેજમાં જ ઍડ્મિશન મળે એમ હતું. ફી હતી લગભગ લાખ રૂપિયા: પરિવારની જે આર્થિક સ્થિતિ હતી એમાં આવી મસમોટી ફી ક્યાંથી પરવડે? સરકારી કૉલેજમાં પ્રવેશ મળે ત્યાં સુધી એકાદ વર્ષ પછી ફરી નસીબ અજમાવ્યું અને ગાડી ફરી ત્યાં જ અટકી. અંતે પોતે પરિવારથી અલગ રહીને ગારિયાધારમાં હીરાનું કામ શીખ્યું અને સુરતમાં હીરા ઘસવાનું શરૂ કર્યું; પણ ૨૦૦૬માં આવેલા સુરતના પૂરે હીરાબજારમાં મંદી લાવી દીધી. એ મંદીને લીધે માદરેવતન પાછા ફરવું પડ્યું, પણ એ મંદી જ જીવનનો ખરો ‘ટર્નિંગ પૉઇન્ટ’ સાબિત થઈ. એ મંદી જો ન આવી હોત તો રાઘવ કટકિયા આજે ‘રઘુ રમકડું’ બનીને બાળકોના લાડીલા શિક્ષક ન બની શક્યા હોત.

આવી નાટકીય રીતે સમજાવવાથી બાળકોમાં સારા વિચારોનો સંચાર ઝડપથી થાય છે.

ભણતર

જીવનના એ વળાંક વિશેની રસપ્રદ યાત્રા સંદર્ભે વાત કરતાં ૩૯ વર્ષના રાઘવ કટકિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘સાજિયાવદર આવ્યો એ પછી આગળ ભણવાની ઇચ્છા મારવી પડશે એવી બીક હતી, પણ ગામના એક નિવૃત્ત શિક્ષકે મારા પપ્પાને સમજાવ્યું કે છોકરાને ભણવું છે તો વ્યાજે પૈસા લાવીને પણ ભણાવ. તેમની વાત મારા પપ્પાના ગળે ઊતરી અને તેમણે કમર કસી તો ૨૦૦૮માં મેં PTCમાં ઍડ્મિશન મેળવી તરાવડા ગુરુકુળમાં પ્રવેશ લીધો. બીજા વર્ષે ઘરની પરિસ્થિતિની સંસ્થાને જાણ થતાં સંસ્થાએ ઘણો આર્થિક સહયોગ કર્યો અને અંતે PTC પૂર્ણ કરીને શિક્ષક બની શક્યો. એ સમયે ગુરુકુળમાં જ ૨૫૦૦ રૂપિયાના બાંધ્યા પગારની નોકરી મળી ગઈ. ઘરેથી અપડાઉન કરી ગુરુકુળમાં પાંચ વર્ષ નોકરી કરી. એ સમયે સરકારી ભરતી આવી. થોડા પ્રયત્ન બાદ દ્વારકામાં સરકારી ઑર્ડર મળ્યો, ઘર-પરિવારથી દૂર રહેવાનું હોવાથી ફરી સરકારી ભરતીમાં જોડાયો અને અંતે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના અંતરિયાળ ગામ મિતિયાળામાં સરકારી શિક્ષક તરીકે જોડાયો. એ સમયે મારો પગાર ૭૮૦૦ રૂપિયા હશે. પારિવારિક ખર્ચ તો હતો જ અને અધૂરામાં પૂરું પપ્પાને મોઢાનું કૅન્સર આવ્યું. આઠથી વધુ કીમોથેરપીના ડોઝ અને શેક પછી તેમની હાલત સુધરી. હજી તો તેમની બીમારીમાંથી નીકળીએ ત્યાં દીકરા નક્ષને પણ પેશાબની નળી બંધ હોવાથી એનો તાત્કાલિક ઑપરેશનનો ખર્ચ ઉઠાવવા તૈયાર થવું પડ્યું. મર્યાદિત આવક વચ્ચે અમર્યાદિત જવાબદારીઓ હતી છતાંય એક વાત હતી જે મને પગારમાંથી ૧૦૦૦-૧૫૦૦ જેટલી રકમ બચાવી લેવા માટે પ્રેરણા આપતી હતી, એ હતા મારા વિદ્યાર્થીઓ.’

શિક્ષણ એટલે રમતવાત

ગરીબીનું ગણિત તો રાઘવ કટકિયા નાનપણથી જ ભણ્યા હતા. કેવી પરિસ્થતિમાં બાળકો ભણે છે અને કેવી પરિસ્થિતિ ભણતર છોડાવે છે એનું જ્ઞાન તેઓ બરાબર જાણતા હતા. એવા સમયે મિતિયાળા પ્રાથમિક શાળામાં જોયું કે ગામમાં ભણતરની હાલત સાવ ભૂંડી હતી. એ વિશે વાત કરતાં રાઘવ કહે છે, ‘મજૂરવર્ગના લોકોનાં બાળકોની શાળા હતી. ગામના લોકો મોટા ભાગે મત્સ્ય ઉદ્યોગમાં કામ કરે. કોઈક મીઠાના અગરમાં જાય તો કોઈક સિન્ટેક્સ સિમેન્ટની કંપનીમાં કામ કરતું હોય. એવા ઘરનાં બાળકો નાનપણથી જ માવા-ગુટકા-તમાકુ ખાતાં હોય. પાંચથી સાત વર્ષનાં બાળકોય આવું કરે. સાફસફાઈની પણ વધુ સમજ ન હોય. દીકરીઓ થોડું વાંચતાં શીખે એટલે ભણવાનું છોડી દે. આવાં છોકરાંવને ભણાવવાની ચૅલેન્જ હતી. તેમને ભણાવવા અલગ-અલગ રમતો શરૂ કરી. એમાં એકપાત્રી અભિનય હોય, નાટકો હોય અને એવી કેટકેટલી રમતો હોય. ઘરે અને વાડીમાં જઈને પણ છોકરાઓને ભણવા માટે ભેગા કરતો. શરૂઆતમાં તો પગાર ૫૭૦૦ રૂપિયા જેવો હતો તોય એમાંથી અમુક રકમ બાળકો માટે રાખવાનો નિયમ લીધેલો જેથી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચી શકાય. એ બાળકોને પુસ્તકનું જ્ઞાન પ્રૅક્ટિકલ કરીને સમજાવવાનું હતું. હું ગણિત ભણાવતો એટલે બાળકોને એકડા, સરવાળા, બાદબાકી અને ભાગાકાર-ગુણાકાર વગેરે માટે સ્વખર્ચે ભૂંગળાં, શાકભાજી વગેરે લાવીને હાથ પકડીને શીખવતો. બાળકોને એકપાત્ર અભિનય, વિવિધ રમતો, પપેટ શો, લર્નિંગ મટીરિયલ, વાર્તા, ગીતો વગેરેની મદદ લઈને શીખવવાનું. કુલ ૬૦થી ૭૦ શૈક્ષણિક બાળગીત અને અભિનયગીતો બનાવ્યાં છે. રવિવાર કે શાળા પછી બાળકો માટે નાળિયેરની કાચલી, પૂંઠાં, કેરીની ગોટલી, બીજ વગેરેમાંથી રમકડાં બનાવું. જરૂર હોય તો સ્ટેશનરી પણ આપું. મારા એ સમયે ૮૦ જેટલા વિદ્યાર્થીઓ હતા. એ દરેક માટે જાતે બનાવેલી કે ખરીદેલી કંઈક ને કંઈક ભેટ લઈ જવાનો મારો ક્રમ. જ્યારે શાળાએ ન જાઉં તો એ લોકો રાહ જુએ અને બીજા દિવસે કશુંક લઈ જાઉં. હાલ મિતિયાળા ગામમાં ૪૦૦થી વધુ બાળકો ભણે છે.’

બાળકોને બચતના પાઠ

બાળકોમાં બચતના પાઠ શીખવવાની શરૂઆત વિશે રાઘવ કહે છે, ‘આ સાથે એવો પણ ક્રમ રાખેલો કે મારા અને મારા પત્નીના જન્મદિને કોઈ પાસેથી ભેટ લેવાની નહીં, ભેટ આપવાની. એ માટે માટીનો બચત-ગલ્લો ભેટ આપીને બાળકોને નાનપણથી જ બચત કરતાં શીખવું. પછી એમાં જમા થયેલા પૈસા બાળકો શાળાએ આવીને મારી હાજરીમાં જ ગલ્લો ફોડીને બતાવે. એ રીતે એ પૈસામાંથી આજ સુધી બાળકોએ કરેલી બચતમાંથી બે-ચાર વર્ષે કોઈ સાયકલ ખરીદતું, તો કોઈ સોનાની બુટ્ટી, તો કોઈ બૅન્કમાં ખાતું ખોલાવતું. તો વળી કોઈ દેશમાં સેવાર્થે એ મૂડી વાપરતું. ભણતરની સાથે-સાથે જીવનઘડતરના પાઠ પણ એ લોકો આ રીતે શીખતા.’

રઘુ સર બટન ટાંકવા જેવું કામ પણ ક્લાસમાં શીખવે છે. 

રમતના ભણતરમાં દાતાઓનો ફાળો

ધીરે-ધીરે ‘રઘુ રમકડાં’ના પ્રયત્નોથી ઘણાં બાળકો શાળાએ આવતાં થયાં અને ઘણાં દૂરની કોઈ શાળામાં શિક્ષણ મેળવવાને બદલે ઘરઆંગણે ભણતાં પણ થયાં. રાઘવનો આવો બાળકપ્રેમ આસપાસના સૌને પ્રભાવિત કરતો હતો. તેમની આવી નિષ્ઠાથી પ્રભાવિત થઈને ઘણા શ્રીમંતો અને દાતાઓ તેમની પ્રવૃત્તિમાં યથાશક્તિ ધનરાશિ આપીને જોડાયા. એ વિશે જણાવતાં રાઘવ કટરિયા કહે છે, ‘એ રકમમાંથી અંતરિયાળ વિસ્તારનાં બાળકો માટે સ્ટ્રૉબેરી, જાંબુ, દ્રાક્ષ કે પછી આઇસક્રીમ લઈ આવું. એ લોકો મોજથી ખાય. ઘણી વાર શિયાળો હોય તો જરૂરિયાતમંદોને ધાબળા પણ આપીએ. એ સિવાય શાળાના વિશાળ પટાંગણમાં અનેક શાકભાજી, ઔષધિઓ અને વૃક્ષો પણ વાવ્યાં છે. મૂળ તો બાળકનું જીવનઘડતર કરતાં દરેક પાસાં આવરી લેવાં છે.’

કોવિડમાંહરતી-ફરતી શાળા

૨૦૨૦માં જ્યારે વિશ્વઆખું કોરોનાની માયાજાળમાં સપડાયું હતું ત્યારે શાળાઓ બંધ થઈ ગયેલી. કેટલાંક બાળકો માતા-પિતા સાથે ફરીથી કામે જોડાયાં. શું કરે? ઘર તો ચલાવવાનું અને શાળા પણ બંધ. કોઈક વિદ્યાર્થી ખેતીકામ કરતા, તો કોઈ ગાય-ભેંસ કે ગાડર-બકરાં ચરાવવા લાગ્યા. બાળકો શિક્ષણથી દૂર થતાં હોય ત્યારે ‘રઘુ રમકડું’ ઘરે કેમ બેસી રહે એવો ટહુકો કરતાં રાઘવ કહે છે, ‘મને બાળકોની ચિંતા થતી. નાની ઉંમરે ભણતર એક વાર છૂટે પછી પાછું વાળવું મુશ્કેલ છે. શાળાઓ બંધ હતી એટલે ત્યાં જઈ શકાય એમ નહોતું. બાળકો શાળા પાસે નથી જઈ શકતાં તો શાળા જ બાળકો પાસે લઈ જઈએ તો? હું બાઇક પર બેસી ગયો. છત્રી લીધી, સાધનો લીધાં, બ્લૅકબોર્ડ અને સ્ટેશનરી ઉપાડ્યાં અને ‘હરતી ફરતી શાળા’નું બોર્ડ મારીને હું મોઢે માસ્ક પહેરીને આખા ગામમાં નીકળી પડ્યો. બાળકોને ગ્રુપમાં વહેંચી દીધાં. આસપાસના વિસ્તારમાં ઘેર-ઘેર જઈને બાળકોને ક્યાંક ફળિયામાં તો ક્યાંક નેવા હેઠે, ક્યાંક તડકે તો ક્યાંક ટાઢા લીમડાના છાંયડે, ક્યાંક ઓસરિયે તો ક્યાંક ઊભાં-ઊભાં એમ અનેકવિધ વિષયો અને પ્રૅક્ટિકલ પ્રવૃત્તિઓ સાથે ભણાવતો ગયો. ગણિત અને ગુજરાતી બન્ને ખાસ ભણાવતો, અને જુઓ, જે બાળકોને શાળાએ જવાનું નહોતું ગમતું એ બાળકોય મારી સાથે ‘રમવા’ આવતાં.’

બે હજારથી વધુ પ્રવૃત્તિઓ

ફક્ત બાળકોને જ નહીં, કોવિડમાં બીજા લોકોને પણ રઘુભાઈએ મદદ કરી છે. એ સમયે સૌની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી થઈ ગયેલી. ત્યારે મિત્રો સાથે ગીરનાં જંગલો ખેડીને ગળો (એક ઔષધિ) ભેગી કરી નાના-નાના ટુકડા કરી પૅક કરીને શહેરમાં વસતા જાણ્યા-અજાણ્યા લાખો લોકોના ઘર સુધી નિઃશુલ્ક કુરિયર, ટ્રાવેલ્સ કે પછી અન્ય કોઈ માધ્યમ થકી પહોંચતી કરી. કોવિડકાળમાં તો અમુક પરિવાર એવી કફોડી હાલતમાં આવી ગયેલા કે બાળકો સાવ લઘરવઘર હોય. એવા સમયે રઘુભાઈ બાળકોને માથા ધોઈને વાળ પણ કાપી દે. કોઈને ચંપલ સાંધી આપે તો કોઈને ઘસી-ઘસીને તેલ નાખી દે, તો કોઈનાં ફાટેલાં કપડાંને થીગડું મારી દે. ધીરે-ધીરે તેમની આવી પ્રવૃત્તિઓ સોશ્યલ મીડિયા થકી લોકહૃદયમાં વસવા માંડી અને દૂર-દૂરથી લોકો ‘રઘુ રમકડું’ને મળવા આવતા અને અન્ય શાળાઓમાં બાળક કેવી રીતે પુસ્તકને પોતાનો મિત્ર બનાવે એ વિષય પર ચર્ચા કરવા તેમને બોલાવતા. એ વિશે વાત કરતાં રાઘવ કહે છે, ‘આ તો નિજાનંદ છે. આમાં મને મારી પત્નીનો પણ બહુ સાથ મળ્યો છે એનો મને આનંદ છે. આજ સુધી અનેકવિધ પ્રૅક્ટિકલ પ્રવૃત્તિઓ થકી હું ૨૦૦૦થી વધુ પ્રવૃત્તિઓ કરી શક્યો છું. અનેક ઇનોવેટિવ કાર્નિવલમાં મારી પ્રવૃત્તિઓને સરાહના મળી છે. મારાં કાર્યોની નોંધ અનેક ચૅનલોએ, દૂરદર્શને અને અનેક ન્યુઝપેપરે લીધી છે. જોકે મૂળ વાત તો બાળક સાથે બાળક બનીને જીવવામાં જે મજા છે એ બીજે ક્યાંય નથી. આજે એ વાત જણાવતાં ખુશી થાય છે કે મારા પ્રયત્નો ગામની દીકરીઓને આગળ ભણવા પ્રેરે છે. પહેલાં તેમને આગળ ભણવા કોઈ દૂર નહોતું મોકલતું, પણ હવે ગામથી ૧૦૦ કિલોમીટર દૂર હૉસ્ટેલમાં રહીને પણ એ લોકો ભણે છે અને સારા ટકાએ પાસ થાય છે. એક છોકરી તો ગયા વર્ષે બારમા ધોરણમાં આખા તાલુકામાં પ્રથમ આવેલી. મને આનંદ છે કે આગળ જઈને મારા વિદ્યાર્થીઓ ખૂબ ભણ્યા છે, શિક્ષક; CA અને વકીલ બન્યા છે; તો કોઈ વળી ફૉરેન પણ ગયું છે. હવે તો એ લોકો પણ આર્થિક મદદ કરે છે. એ સિવાય ફેસબુક પર મિત્રો, દાતા પણ આ પ્રવૃત્તિમાં જોડાય છે. મારી એક જ ઇચ્છા છે કે દીકરો હોય કે દીકરી, બધાં ભણવાં જોઈએ અને કુરિવાજો દૂર થવા જોઈએ. પુસ્તકો મારા પ્રિય રહ્યાં છે. ખાસ કરીને ગિજુભાઈ બધેકાનાં પુસ્તકો. તેમની વાર્તાશૈલીમાં કોઈ ફક્ત શ્રોતા જ નથી હોતું, શ્રોતા અને વક્તા બન્ને હોય છે. હોવા જોઈએ. એ સિવાય ‘ગાંધીજીના સત્યના પ્રયોગો’ જીવનઘડતરમાં ઉપયોગી બને છે. આ સિવાય આઇ. કે. વીજળીવાળાને પણ વાંચવા ગમે છે.’

gujarat news gujarat gujarati medium school columnists