08 February, 2024 10:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ધોરણ ૬થી ૧૨માં ગીતાનાં મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાના સંકલ્પને ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ રજૂ કર્યો હતો. આ સંકલ્પ વિના અવરોધે વિધાનસભામાં પસાર થયો હતો. એટલે હવે ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે ગીતાના પાઠ ભણાવી શકાશે.
ગુજરાતના શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ વિધાનસભામાં આ સંકલ્પ રજૂ કરતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યની શાળાઓમાં ધોરણ ૬થી ૧૨માં અગામી સત્રથી ભગવદ્ગીતાનાં મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે. શ્રીમદ ભગવદ્ગીતા ગ્રંથ હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ એમાંથી માર્ગદર્શન લીધું છે. ગીતા જ્ઞાનનો ખજાનો તો છે જ, સાથે-સાથે સત્કર્મો અને સદવિચાર માટે ઉદ્દીપક પણ છે. ગીતાના તત્ત્વજ્ઞાન થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ જ્ઞાની બનશે અને વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં તથા રાષ્ટ્રનિર્માણના કાર્યમાં મહત્ત્વનું યોગદાન આપશે. દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને અને જીવન જીવવાની પદ્ધતિથી વાકેફ થાય. એ માટે અમે સામાજિક ઉત્થાન માટે સામાજિક જવાબદારીથી લાવ્યા છીએ.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવા માટે રાજ્યની શાળાઓમાં ધોરણ ૬થી ૧૨માં શ્રીમદ ભગવદ્ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે એ પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એ મુજબ ધોરણ ૬થી ૮માં શ્રીમદ ભગવદ્ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. ધોરણ ૯થી ૧૨માં શ્રીમદ ભગવદ્ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે.’