30 December, 2022 12:05 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીટીઆઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નાં માતોશ્રી હીરાબા (Hiraba)એ શુક્રવારે વહેલી સવારે અમદાવાદની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબેન મોદીના પાર્થિવદેહને અંતિમયાત્રા દરમિયાન કાંધ આપી હતી અને અંતિમ સંસ્કાર કર્યા. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, જેડી-યુના નીતિશ કુમાર, શિવસેનાના નેતા સંજય રાઉત સહિત તમામ પક્ષના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમના અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.”
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સંજય રાઉતે કહ્યું કે, "માતાની છત્રછાયા ગુમાવવા જેવું કોઈ અનાથત્વ નથી. માતાને ગુમાવવાનું દુઃખ ખૂબ જ મોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનાં માતા હીરાબેનનાં દુઃખદ અવસાનથી તેમના પરિવારને આઘાત લાગ્યો છે. ભગવાન હીરાબેનના દિવંગત આત્માને શાંતિ આપે. અમે મોદી પરિવારના દુઃખમાં સહભાગી છીએ."
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "નરેન્દ્રભાઈ, તમારી માતાના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ જીવનમાં એક પૂરી ન કરી શકાય એવી ખોટ છે. માતાના અવસાનથી તેમને જે ખોટ સાલી છે તે બદલ સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે."
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ દિલથી શોક વ્યક્ત કર્યો છે. ખડગેએ કહ્યું કે, "હીરાબેન મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. નરેન્દ્ર મોદીજી પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ દુઃખની ઘડીમાં સમગ્ર પરિવાર સાથે છે."
સમાજવાદી પાર્ટીએ એક નિવેદનમાં વડાપ્રધાનના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું અવસાન, અત્યંત દુઃખદ છે! ભગવાન દિવંગત આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ!"
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રિય માતા, હીરાબેન મોદીજીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. માતાને ગુમાવવાની શૂન્યતા ભરી શકે તેવું કંઈ નથી. દુઃખની આ ઘડીમાં અમે મોદીજી અને તેમના પરિવાર સાથે છીએ.”
આજે સવારે ગુજરાત પહોંચેલા પીએમ મોદીએ સૌપ્રથમ તેમની માતાને તેમના રાયસન નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહને સ્મશાન ગૃહમાં લઈ ગયા હતા. પીએમ મોદી અને તેમના બે ભાઈઓએ અંતિમ વખત તેમની માતાને વિદાય આપતાં ચિતા પ્રગટાવી હતી.