બોડેલીમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, વીસ ઇંચ વરસાદ ખાબક્યો

11 July, 2022 09:07 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ચાલુ સીઝનનો ગુજરાતમાં સૌથી વધુ રેકૉર્ડબ્રેક વરસાદ કોઈ એક જ તાલુકામાં એક જ દિવસે પડ્યો હોવાની ઘટના બોડેલીમાં

છોટાઉદેપુર જિલ્લામાં ગઈ કાલે ભારે વરસાદના કારણે જળમગ્નની સ્થિતિ બાદ રેસ્ક્યુ ટીમ લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી છે.

છોટાઉદેપુર જિલ્લાને મેઘરાજાએ રીતસરનું ધમરોળી નાખ્યું, ડાંગના બેહાલ કર્યા તો તાપી, પંચમહાલ, નર્મદા, વલસાડ અને નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો, વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ૩૨૫૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું 

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ગઈ કાલે બારેમેઘ ખાંગા થઈને આભ ફાટ્યું હતું. એમાં પણ બોડેલી તાલુકામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અને રાત્રે આઠ વાગ્યા સુધીમાં વીસ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના વરવા સ્વરૂપ સામે માનવી જાણે લાચાર બની ગયો હતો. બોડેલી ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વરસાદે હાલ-બેહાલ કર્યા હતા તો તાપી, પંચમહાલ, નર્મદા, વલસાડ અને નવસારી જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બચાવ-રાહત કામગીરી માટે સૂચના આપી હતી.

છોટાઉદેપુર જિલ્લાને ગઈ કાલે મેઘરાજાએ રીતસરનું ધમરોળી નાખ્યો હતો. બોડેલીમાં વીસ ઇંચ વરસાદ એક જ દિવસમાં પડતાં જીવનજીવન તહસનહસ થઈ ગયું હતું. ચાલુ સીઝનનો ગુજરાતમાં સૌથી વધુ રેકૉર્ડબ્રેક વરસાદ કોઈ એક જ તાલુકામાં એક જ દિવસે પડ્યો હોવાની ઘટના બોડેલીમાં ગઈ કાલે બની હતી. બોડેલી ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં ૩૧૮ મીમી અને ક્વાંટ તાલુકામાં ૩૧૭ મીમીથી વધુ વરસાદ, છોટાઉદેપુર તાલુકામાં ૧૦ ઇંચથી વધુ, સંખેડા તાલુકામાં ૬ ઇંચ, નસવાડી તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ગઈ કાલે ભારે વરસાદના કારણે છોટાઉદેપુરમાં પુલ પર નદીનાં પાણી ફરી વળતાં ગાબડાં પડ્યાં હતાં.

ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુરમાંથી ૪૦૦ લોકો, નવસારીમાંથી ૫૫૦ લોકો અને વલસાડમાંથી ૪૭૦ લોકો સહિત ગુજરાતમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ૩૨૫૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ફરી વળતાં હાઇવે સહિતના ૩૮૮ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા.

ગઈ કાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૭૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં ૧૫ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી.

gujarat gujarat news Gujarat Rains shailesh nayak