24 September, 2023 09:40 AM IST | Sanand | Gujarati Mid-day Correspondent
ગુજરાતના સાણંદમાં ગઈ કાલે માઇક્રોન ટેક્નૉલૉજી ખાતે ભૂમિપૂજન દરમ્યાન કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ (તસવીર : પી.ટી.આઇ)
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં અમદાવાદ અને સાણંદ વચ્ચે એક હાઇસ્પીડ ટ્રેન શરૂ થઈ જશે. ગુજરાતના સાણંદમાં સેમીકન્ડક્ટર કંપની માઇક્રોનના પ્લાન્ટના ભૂમિપૂજન સમારોહ ખાતે વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન્સનો પણ અહીં હૉલ્ટ રહેશે.
તેમણે કહ્યું હતું કે ‘અમદાવાદ અને સાણંદની વચ્ચે એક વર્લ્ડ ક્લાસ ટ્રેન શરૂ થશે. આ હાઇસ્પીડ ટ્રેન આગામી છ મહિનામાં શરૂ થશે.’
નોંધપાત્ર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
સેમીકન્ડક્ટર ઇકો-સિસ્ટમ વિશે વૈષ્ણવે કહ્યું હતું કે ‘આગામી થોડાં વર્ષોમાં સેમીકન્ડક્ટર્સ માટેની ડિમાન્ડ વધીને પાંચ લાખ કરોડ રૂપિયા થઈ જશે. વડા પ્રધાન મોદીનું મેડ ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટર્સથી દેશના ભવિષ્યનું નિર્માણ કરવાનું વિઝન છે. ગુજરાત સેમીકન્ડક્ટર ક્ષેત્રે આગેવાની કરી રહ્યું છે.’
22,540
માઇક્રોને અંદાજે આટલા કરોડ રૂપિયાના કુલ રોકાણથી ગુજરાતમાં સેમીકન્ડક્ટર ઍસેમ્બલી અને ટેસ્ટ પ્લાન સ્થાપવાની જૂનમાં જાહેરાત કરી હતી.