અમદાવાદ પર આકાશમાંથી અગનગોળા વરસ્યા

24 May, 2024 08:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આઠ વર્ષની રેકૉર્ડબ્રેક ૪૬.૬ ડિગ્રી ગરમીથી નાગરિકો શેકાઈ ગયા

અમદાવાદમાં ગઈ કાલે અસહ્ય ગરમીના પગલે શહેરના હાર્દ સમાન લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્રના કિલ્લા પાસેથી પસાર થતા જાહેર માર્ગ પર એકલદોકલ વાહનચાલકો સિવાય માર્ગ સૂમસામ જણાયો હતો (તસવીર: જનક પટેલ)

હમણાં ગુજરાતમાં જવાનું વિચારતા હો તો બે વાર વિચારીને જજો, કેમ કે આજકાલ ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે અને હીટવેવે નાગરિકોને બેહાલ કરી દીધા છે. એમાં પણ ગઈ કાલે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસ્યા હોય એમ છેલ્લાં આઠ વર્ષની રેકૉર્ડબ્રેક ૪૬.૬ ડિગ્રી ગરમીથી અમદાવાદના નાગરિકો રીતસરના શેકાઈ ગયા હતા. મોડી રાત સુધી ગરમ પવનોએ શહેરીજનોને જાણે કે બાનમાં લીધા હતા. એટલું જ નહીં, અમદાવાદના ઍરપોર્ટ વિસ્તારમાં રેકૉર્ડબ્રેક ૪૭.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મળતી વિગતો મુજબ અમદાવાદમાં ૨૦૧૬ની ૨૦ મેએ ૪૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું અને ૨૦૧૬ની જ ૧૯ મેએ ૪૬.૯ ડિગ્રી તાપનામ નોંધાયું હતું. ત્યાર બાદ ગઈ કાલે અમદાવાદમાં મૅક્સિમમ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં ગઈ કાલે સવારથી જ જાણે કે બપોર પડી ગઈ હોય એમ ગરમ પવનો ફૂંકાયા હતા અને કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકોને બહાર નીકળવું ભારે પડ્યું હતું.

અમદાવાદની જેમ ગાંધીનગરમાં ૪૬ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૫.૯, કંડલામાં ૪૫.૫, ડીસામાં ૪૫.૪ અને વડોદરામાં ૪૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં આ શહેરો જાણે કે અગનભઠ્ઠી બની ગયાં હોય એવો અહેસાસ થયો હતો અને નાગરિકોની હાલત કફોડી થઈ ગઈ હતી. ખાસ કરીને બપોરથી લઈને રાત સુધી ગરમ પવનોના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલજનક થઈ ગયું હતું. 
આ ઉપરાંત ગુજરાતમાં અમરેલીમાં ૪૪.૪, વલ્લભવિદ્યાનગરમાં ૪૪.૧, રાજકોટમાં ૪૩.૮, ભુજમાં ૪૨.૮, ભાવનગરમાં ૪૨.૨, કેશોદમાં ૪૧.૬ અને મહુવામાં ૪૧.૮ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં પડી રહેલી અસહ્ય ગરમીના પગલે સારંગપુર વિસ્તારમાં ચાર રસ્તા પર પોલીસે ગ્રીન નેટ બાંધીને વાહનચાલકોને રાહત મળે એવી વ્યવસ્થા કરી હતી

રાજસ્થાનનું બાડમેર ૪૮.૮ ડિગ્રી સાથે દેશમાં હૉટેસ્ટ

દેશભરમાં સતત સાતમા દિવસે ગરમીનું જોર યથાવત્ રહ્યું હતું. ગુરુવારે રાજસ્થાનના બાડમેરમાં ૪૮.૮ ડિગ્રી સાથે દેશમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે હજી પાંચ દિવસ હીટવેવનું જોર યથાવત્ રહેશે એવી આગાહી કરી છે. માત્ર બાડમેર નહીં, રાજસ્થાનના ફલૌદીમાં ૪૭.૮, ચુરુમાં ૪૭.૪ અને જેસલમેરમાં ૪૭.૨ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. વધતી ગરમી સાથે દેશનાં વિવિધ રાજ્યમાં પાણીની તંગીનું સંકટ પણ સર્જાય એવી શક્યતા છે. સેન્ટ્રલ વૉટર કમિશનના રિપોર્ટ અનુસાર દેશનાં ૧૫૦ મોટાં જળાશયોમાં પાણીનું સ્તર છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નીચે ઊતર્યું છે. 

ગરમી વધુ ને વધુ ઘાતક બની

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર વર્ષ ૧૯૯૮થી ૨૦૧૭ વચ્ચે દુનિયાભરમાં હીટવેવ્સના કારણે ૧.૬૬ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ભારતમાં ૨૦૧૫થી ૨૦૨૨ સુધીમાં હીટવેવથી ૩૮૧૨ લોકોનાં મોત નોંધાયાં હતાં.

સરકારે ગયા જુલાઈમાં સંસદમાં જણાવ્યા પ્રમાણે એકલા આંધ્ર પ્રદેશમાં ૭ વર્ષમાં આકરી ગરમીથી ૨૪૧૯ લોકોનાં મોત થયાં હતાં. 

heat wave Weather Update indian meteorological department ahmedabad gujarat gujarat news gandhinagar