05 September, 2023 11:44 AM IST | ahmedabad | Shailesh Nayak
હર્ષદ ગઢવી
અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલી હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે મુકાયેલાં ભીંતચિત્રો પર કાળો કલર ફેરવીને કેટલાંક ચિત્રોની તોડફોડ કરનાર ચારણકી ગામના હર્ષદ ગઢવીએ ગઈ કાલે જામીન પર છૂટ્યા બાદ મીડિયા સમક્ષ જાહેરાત કરી છે કે હનુમાનજીનું પોસ્ટર નહીં હટાવવામાં આવે તો હું અનશન પર ઊતરીશ.
સાળંગપુર હનુમાનજીના મંદિર પરિસરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચે લગાવેલી પૅનલો પૈકીની કેટલીક પૅનલમાં હનુમાનદાદાને પગે લાગતી એટલે કે નમસ્કારની મુદ્રામાં દર્શાવાયા હોવાનું જણાતાં આ મુદ્દે વિવાદ ઊઠ્યો છે ત્યારે ચારણકી ગામના હર્ષદ ગઢવી નામની વ્યક્તિ હાથમાં લાકડી લઈને હનુમાનદાદાની વિરાટ પ્રતિમા તરફ દોડી ગયા હતા અને ભીંતચિત્રો પર કાળો કલર લગાડીને ચિત્રો પર લાકડીથી પ્રહાર કર્યા હતા. જોકે પોલીસે સમયસૂચક્તા વાપરીને તેને પકડી લીધો હતો. ગઈ કાલે હર્ષદ ગઢવીનો જામીન પર છુટકારો થયો હતો.
હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે મુકાયેલાં ભીંતચિત્રોની કેમ તોડફોડ કરી એ મુદ્દે મીડિયા સાથે વાત કરતાં હર્ષદ ગઢવીએ કહ્યું કે ‘હનુમાનજીનું અપમાન જોયું અને મારો ગુસ્સો કન્ટ્રોલમાં ન રહ્યો એટલે મારે નાછૂટકે આમ કરવું પડ્યું. ગુજરાતના સાધુ-સંતો હાથ જોડીને વિનંતી કરતા હતા છતાં તેઓ પોસ્ટર હટાવવાનું નામ નહોતા લેતા એટલે મારો ગુસ્સો આસમાને પહોંચતાં મારાથી આ પગલું ભરાયું હતું.’
તેણે વધુમાં કહ્યું કે ‘હવે હું જેકોઈ પગલું ભરીશ એ ગુજરાતના સંતો-મહંતોને મળીને તેમના માર્ગદર્શન મુજબ હું ચાલીશ. મારી અંગત ઇચ્છા છે કે જો પોસ્ટર નહીં હટાવવામાં આવે તો હું અનશન પર ઊતરીશ.’