૫૧ શક્તિપીઠનાં મંદિરો થાળથી વંચિત કેમ?

13 February, 2024 09:31 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કોરોના દરમ્યાન રાજભોગથાળ બંધ કરાયા હતા જે ફરી શક્તિપીઠ મંદિરોમાં ચાલુ નથી કરાયા અને માત્ર મોહનથાળ ધરાવાય છે અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડાતી હોવાનો આક્ષેપ ગુજરાત કૉન્ગ્રેસે કર્યો છે.

ગુજરાત કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને હેમાંગ રાવલ.

અમદાવાદઃ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર ફરતે આવેલી ૫૧ શક્તિપીઠનાં મંદિરો થાળથી વંચિત છે. કોરોના દરમ્યાન રાજભોગથાળ બંધ કરાયા હતા જે ફરી શક્તિપીઠ મંદિરોમાં ચાલુ નથી કરાયા અને માત્ર મોહનથાળ ધરાવાય છે અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડાતી હોવાનો આક્ષેપ ગુજરાત કૉન્ગ્રેસે કર્યો છે.

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને હેમાંગ રાવલે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કોરોના પહેલાં ૫૧ શક્તિપીઠ-મંદિરોમાં માતાજીને વિધિવત રીતે રાજભોગથાળ ધરાવવામાં આવતો હતો, પરંતુ કોરોના દરમ્યાન મહામારીને કારણે રાજભોગથાળ બંધ કરાયા હતા. માઈભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ રાજભોગથાળ ધરાવવાના હજી પણ શરૂ કરાયા નથી. માઈભક્તો અને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર મોહનથાળ ધરાવાય છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓને જીવંત ગણી થાળ ધરાવવો ફરજિયાત હોય છે, પરંતુ હજી સુધી થાળ ધરાવાતો નથી અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડાય છે.’

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘અંબાજી ખાતે મુખ્ય મંદિર તેમ જ ૫૧ શક્તિપીઠ સહિત કુલ ૬૧ મંદિર છે, પરંતુ પૂરતા પુજારીઓ પણ મંદિરમાં નથી. ૬૧ મંદિરોમાં માત્ર ૩૫ પુજારીઓ સેવા આપી રહ્યા છે. એટલે ૫૧ શક્તિપીઠ-મંદિરોમાં એક મંદિરદીઠ એક પુજારી કરવામાં આવે તેમ જ દરેક મંદિરમાં રાજભોગ ધરાવવામાં આવે એવું આયોજન કરવામાં આવે એવી માગણી કરીએ છીએ.’ 

gujarat news ambaji Gujarat Congress ahmedabad