26 January, 2025 07:02 AM IST | Mumbai | Shailesh Nayak
ગઈ કાલે મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ જવા ઊપડેલા ભાયખલાનો નીલ ગડા અને તેમના મિત્રો., વિલે પાર્લેની શિયા જોશી. (વચ્ચે) અને કાંદિવલીનાં દર્શક અને ઉર્વી ત્રિવેદી.
વિશ્વવિખ્યાત બ્રિટિશ રૉકબૅન્ડ કોલ્ડપ્લેની કૉન્સર્ટ મુંબઈમાં મિસ કરનાર મુંબઈના ક્રેઝી ફૅન્સ અમદાવાદ પહોંચી ગયા છે અને તેઓ એક લાખ જેટલા દર્શકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનાં એક-એકથી ચડિયાતાં પૉપ્યુલર સૉન્ગ્સનો જલસો માણશે. બોરીવલી, કાંદિવલી, વિલે પાર્લે, ભાયખલા, માટુંગા સહિતના મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાંથી કંઈકેટલાય કૉલેજિયન અને સ્કૂલ-ફ્રેન્ડ્સ તેમ જ કપલ્સ આજે કોલ્ડપ્લેની કૉન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને માણશે. જોકે ઘણા મુંબઈગરાઓએ તો ગઈ કાલે યોજાયેલી કૉન્સર્ટ માણી હતી.
કોલ્ડપ્લેના પર્યાવરણના મેસેજને પસંદ કરતું કાંદિવલીનું કપલ અમદાવાદ પહોંચી ગયું છે. દર્શક ત્રિવેદી અને ઉર્વી ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોલ્ડપ્લે એન્વાયર્નમેન્ટલ ફ્રેન્ડ્લી શો છે. તેમનું મ્યુઝિક, સાઉન્ડ સિસ્ટમ સહિતની ઍક્સેસરીઝ પર્યાવરણને ડૅમેજ કરે એવાં નથી. આ એક યુનિક શો છે અને તેઓ ૨૧૫ શો કર્યા પછી અહીં આવ્યા છે. તેઓ પર્યાવરણને સપોર્ટ કરે છે એ ગમ્યું. મુંબઈમાં તેમનો શો યોજાયો હતો, પરંતુ અમને ટિકિટ મળી શકી નહોતી. અમદાવાદ જવાનો આમ તો કોઈ પ્લાન નહોતો, મારા મિત્ર રાહુલને ટિકિટ મળી હતી, પણ તે અમદાવાદ જઈ શકે એમ નહોતો એટલે અમને કોલ્ડપ્લેની કૉન્સર્ટ જોવાની તક મળી અને અમે એ તક છોડવા માગતાં નહોતાં. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને કોઈ શો જોવો એ જીવનનો એક લહાવો છે અને એમાં પણ કોલ્ડપ્લે કૉન્સર્ટ જોવા મળે તો એ લહાવો છોડવા માગતાં નહોતાં. અમારા માટે આ એક યાદગાર શો બની રહેશે.’
માટુંગામાં આવેલી શિશુવન સ્કૂલમાં એક સમયે સાથે અભ્યાસ કરતા આઠ મિત્રોનું ગ્રુપ કોલ્ડપ્લેનો શો જોવા આજે અમદાવાદ આવી રહ્યું છે. ભાયખલામાં રહેતા અને માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનના ફર્સ્ટ યરમાં સ્ટડી કરતા નીલ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે આમ તો મુંબઈમાં જ આ શો જોવા જવું હતું, પણ અમને ટિકિટ નહોતી મળી. હવે અમને અમદાવાદની ટિકિટ મળી ગઈ એટલે હું, ધવલ મણિયાર, હર્ષ શાહ, શોભિત જૈન, આયુષી સાવલા, આર્યન શાહ અને નિયતિ મણિયાર શો જોવા પહોંચી રહ્યાં છીએ.
અમદાવાદમાં હોટેલોના ભાવ વધારે છે એટલે અમે બધાં અમારા એક મિત્રના ઘરે જવાનાં છીએ. કૉન્સર્ટ પૂરી થતાં અમે સવારે મુંબઈ પાછાં આવી જઈશું.’
ફ્રેન્ડ્સ સાથે અમદાવાદમાં કોલ્ડપ્લેની કૉન્સર્ટ જોવા આવી રહેલી વિલે પાર્લેની શિયા જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને આમ પણ કૉન્સર્ટ જોવાનું ગમે છે અને કોલ્ડપ્લેનું તો મોટું નામ છે. લોકો કહે છે કે જો કૉન્સર્ટ તમને ગમે છે અને કોલ્ડપ્લેની કૉન્સર્ટ ન જોઈ તો શું જોયું તમે? એટલે મારે કોલ્ડપ્લેની કૉન્સર્ટ જોવી હતી. એનો મુંબઈમાં શો યોજાયો, પણ અમને ટિકિટ નહોતી મળી અને અમારે કૉન્સર્ટ જોવી હતી એટલે અમદાવાદમાં રવિવારે યોજાનારી કોલ્ડપ્લેની કૉન્સર્ટ જોવા હું, દિયા, ક્રિષ્ના અને માનવ જવાનાં છીએ. કોલ્ડપ્લેની ખાસ વાત એ છે કે આ કૉન્સર્ટ સાંભળવા ઉપરાંત વિઝ્યુઅલી પણ સુંદર લાગે છે. તેઓ હાથમાં બૅન્ડ પણ આપે છે અને લાઇટ પણ થાય છે. અમને કોલ્ડપ્લેની કૉન્સર્ટ જોવાની મજા આવશે.’