કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાના મોતની અફવા

23 October, 2020 11:53 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાના મોતની અફવા

ફાઈલ ફોટો

મિલેનિયમ મેગા સ્ટાર, ગુજરાત સરકારના પૂવૅ ધારાસભ્ય, કનોડા ગામના લોકોના હૃદય સમ્રાટ નરેશ કનોડિયા કોરોનાગ્રસ્ત છે. હાલ તેમની તબિયત લથડી છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

હોસ્પિટલની તસવીર સામે આવ્યા બાદ કેટલાક ટીખળખોરો દ્વારા તેમના મોતની અફવા ફેલાવવામાં આવી હતી. તેમાં પણ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ તો ભાંગરો વાટ્યો હતો. નરેશ કનોડિયાના દીકરા હિતુએ ફેસબુક પર તેમના પિતા સ્ટેબલ હોવાનો વિડીયો મુક્યાના 45 મિનિટ બાદ રૂપાલાએ ટ્વિટ કરી નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે બાદમાં ભૂલ સમજાતા તેમણે ટ્વિટ ડિલિટ માર્યું હતું.

નરેશ કનોડિયાના મોતની અફવા ઉડતા તેમના દીકરા હિતુ કનોડિયાએ આજે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, આપ સૌની પ્રાર્થના કામ કરી રહી છે, મારા પપ્પા સ્ટેબલ છે અને યુ.એન.મહેતામાં તમામ ડોક્ટર મળીને સૌ સારી સંભાળ રહ્યાં છે. બસ પ્રાર્થના કરો કે તેઓ સાજા થઈને સારા થઈ હોસ્પિટલ બહાર આવે. ખાસ કરી અફવાઓમાં માનતા નહીં અને સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ કે લોકોની લાગણી દુભાઈ એવું ના કરો. આભાર.

નરેશ કનોડિયાના મોત અંગેની અફવા એટલી તો ઝડપથી ફેલાઈ કે વિકિપિડિયામાં પણ તેની અપડેટ આવી ગઈ હતી. નરેશ કનોડિયાની વિકિ પ્રોફાઈલમાં તેમના અવસાનની તારીખ 23 ઓક્ટોબર, 2020 બતાવતી હતી. જો કે થોડીવાર બાદ આ તારીખ હટાવવામાં આવી હતી.

dhollywood news gujarat coronavirus covid19 gujarati film