ગુજરાતમાં ભરઉનાળે જાણે ચોમાસું બેઠું

16 May, 2024 08:44 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઉત્તર, દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક ભારે પવન સાથે તો ક્યાંક ધોધમાર કમોસમી વરસાદી ઝાપટાંથી માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં ઃ ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ભરઉનાળે ચોમાસું બેઠું હોય એવો માહોલ છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે. ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં બે ઇંચ અને કચ્છના નખત્રાણા તાલુકામાં બે કલાકમાં સવા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઉત્તર, દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક ભારે પવન સાથે તો ક્યાંક ધોધમાર કમોસમી વરસાદી ઝાપટાંથી માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વઢવાણ, ડાંગના આહવા, સુબીર અને વઘઈ, સુરેન્દ્રનગરના થાનગઢ, ચોટીલા, સાયલા, જૂનાગઢમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અંબાજીમાં અષાઢી માહોલ છવાયો હતો. કડાકા-ભડાકા સાથે એવું વરસાદી ઝાપટું પડ્યું કે અંબાજીના માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. પોરબંદર તેમ જ બરડા પંથકમાં, કચ્છના નખત્રાણા ઉપરાંત ભચાઉ અને અબડાસા તાલુકામાં, રાજકોટ તેમ જ લોધિકા, દ્વારકાના ભાણવડ, અમરેલીના લાઠી, બાબરા પંથક, વલસાડના ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો.

૧૪ મેના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ દરમ્યાન દાભવણ ગામે વીજળી પડતાં ૧૪ અને ૧૧ વર્ષનાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કુકરદા ગામે વીજળી પડતાં ૫૪ વર્ષની વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ત્રણ ઘટનામાં ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ આપત્તિ સહાય માત્ર ૧૨ કલાકમાં જ ચૂકવતાં મરનારના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય સ્થળ પર જઈને કરવામાં આવી હતી.

gujarat news Weather Update