20 December, 2024 07:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં પોલીસની જીપનો દરવાજો બંધ કરીને પોલીસને ધમકી આપનાર ફઝલ શેખના વિડિયોમાંથી ગ્રૅબ કરેલી તસવીર.
અમદાવાદમાં જાણે અસામાજિક તત્ત્વોને પોલીસનો જરાય ડર ન હોય એવી ઘટના બની છે જેમાં શહેરના રખિયાલ વિસ્તારમાં એક લુખ્ખાએ રસ્તા પર ઊભેલી પોલીસ-વૅનના બે પોલીસ-કર્મચારીઓને છરી બતાવીને ધમકી આપતાં તેઓ જીપ લઈને ત્યાંથી જતા રહ્યા હતા. જોકે પોલીસે ગઈ કાલે ફઝલ શેખ નામના એ લુખ્ખાને અને તેના સાગરીત સમીરને ઝડપી લઈને પોલીસનો પાવર બતાવ્યો હતો. બીજી તરફ સ્થળ પરથી જતા રહેલા બે પોલીસ-કર્મચારીઓ સામે ખાતાકીય ઍક્શન લેવામાં આવી છે.
અમદાવાદના રખિયાલ બાપુનગર વિસ્તારમાં બુધવારે રાતે જૂની અદાવતમાં હાથમાં તલવાર લઈને ૬ અસામાજિક તત્ત્વોએ રોડ પર ઊતરી આવીને ઉત્પાત મચાવ્યો હતો. આ અસામાજિક તત્ત્વો આટલેથી નહોતા અટક્યાં. એમાંનો ફઝલ શેખ ત્યાં ઊભેલી પોલીસ-વૅન તરફ પહોંચી ગયો હતો અને તેણે વૅન પાસે ઊભેલા બે પોલીસ-કર્મચારીને ધમકી આપીને જીપની અંદર બેસાડી દઈને દરવાજો બંધ કરી દીધો હતો. એ પછી પોલીસ-વૅન ત્યાંથી જતી રહી હતી. ફઝલ અને તેના સાગરીતોએ પોલીસને ભગાડી દીધા એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો અને પોલીસને બીભત્સ રીતે એલફેલ બોલીને ઉતારી પાડી હતી. જાણે બહુ મોટું કામ કર્યું હોય એ રીતે વર્તન કર્યું હતું. વાઇરલ થયેલા એ વિડિયોમાં પોલીસ-વૅન પાસે ઊભેલા બે પોલીસ-કર્મચારીને ઉદ્દેશીને ફઝલ શેખે ધમકી આપી હતી,
‘બહોત મારુંગા સાહબ...’ એટલું કહીને તેણે પોલીસ-વૅનનો દરવાજો બંધ કરી દીધો હતો.
જોકે પોલીસ માટે બનેલી આ શરમજનક ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગઈ કાલે ફઝલ શેખ તેમ જ સમીરને ઝડપી લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.