પારસી પરિવારે જતનથી સાચવેલી ભગવાન સ્વામીનારાયણની ૨૦૦ વર્ષ જૂની પાઘડીનાં દર્શન ભાઈબીજના દિવસે સુરતમાં કરી શકાય

05 November, 2024 12:28 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

૧૮૮૧માં સુરત ગયેલા સ્વામીનારાયણ ભગવાને એ સમયે પારસી કોતવાલ અરદેશરને પોતાની પાઘડી અને એક શ્રીફળ આપ્યું હતું જે આજે પણ એ પારસી પરિવાર પાસે છે અને તેમણે એ બન્ને ચીજોનું જીવની જેમ જતન કર્યું છે

ભગવાન સ્વામીનારાયણની ૨૦૦ વર્ષ જૂની પાઘડીનાં દર્શન

વર્ષો પહેલાં સુરતમાં ભગવાન સ્વામીનારાયણે આપેલી પાઘડી જોવા માટે સુરતના ઘોડદોડ રોડ પર ભક્તોની ભીડ ઊમટી હતી. ૧૮૮૧માં સુરત ગયેલા સ્વામીનારાયણ ભગવાને એ સમયે પારસી કોતવાલ અરદેશરને પોતાની પાઘડી અને એક શ્રીફળ આપ્યું હતું જે આજે પણ એ પારસી પરિવાર પાસે છે અને તેમણે એ બન્ને ચીજોનું જીવની જેમ જતન કર્યું છે. લોકો પણ આ પાઘડીનાં દર્શન કરી શકે એ માટે આ પારસી પરિવાર દર ભાઈબીજે એની વ્યવસ્થા કરે છે.

આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ સદીઓ પહેલાં ભગવાન સ્વામીનારાયણે એ પહેરી હતી અને ૨૦૦ વર્ષ પહેલાં તેઓ જ્યારે સુરત ગયા હતા ત્યારે અરદેશર પરિવારને એ ભેટ આપી હતી. ૧૮૮૧માં માગશર સુદ તેરસે સુરતથી નીકળતાં પહેલાં અરદેશર પરિવારની સેવાથી પ્રસન્ન થઈને આ પાઘડી તેમણે આપી હતી. એ પાઘડી પછી તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ. જોકે તેમનું બહુ યુવાનવયે મૃત્યુ થતાં એ પાઘડી તેમનાં પત્ની દોશીબાઈ કોતવાલ પાસેથી જાગીરદાર સોરાબજી એદલજી વાડિયા પાસે આવી. હાલમાં જાગીરદારની ત્રીજી પેઢી પાસે આ પાઘડી સંરક્ષિત છે. આ પરિવાર આમ તો પારસી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી તેમણે પારસી ધર્મની સાથે સ્વામીનારાયણ સંપ્રદાય પણ અપનાવ્યો છે. વાડિયા પરિવારે હવે પાઘડી માટે એક અલગ રૂમ બનાવી છે. તેઓ રોજ આ પાઘડીની પૂજા કરે છે. આ પરિવાર શ્રીજી ભગવાની કંઠી અને પારસી ધર્મની જનોઈ બન્ને ધારણ કરે છે.

surat swaminarayan sampraday gujarat news gujarat news life masala