ચન્દ્રયાન-3ના મિશનમાં ગુજરાતના સંતોષ વડવળેની પણ ભૂમિકા

27 August, 2023 10:20 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગાંધી વિદ્યાપીઠના નિવૃત્ત પ્રા. અને અમદાવાદમાં સ્થાયી થયેલા વસંત વડવળેના દીકરા સંતોષ વડવળે પીઆરએલમાં વર્ષ ૨૦૦૫માં જોડાયા હતા.

ચન્દ્રયાન-3ના મિશનમાં ગુજરાતના સંતોષ વડવળેની પણ ભૂમિકા


અમદાવાદ ઃ ચંદ્ર પર ચંદ્રયાન–3ને સફળતાપૂર્વક ઉતારીને ભારતના વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરીને દુનિયામાં દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે આ સફળતામાં ગુજરાતના તાપી જિલ્લામાં આવેલી વેડછીના સ્વરાજ આશ્રમ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર વૈજ્ઞાનિક અને પ્રોફેસર સંતોષ વડવળેની પણ ભૂમિકા રહેલી છે અને તેઓ મિશન ચંદ્રયાન-3નું રોવર જે કામ કરી રહ્યું છે એ વિભાગના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ગાંધી વિદ્યાપીઠના નિવૃત્ત પ્રા. અને અમદાવાદમાં સ્થાયી થયેલા વસંત વડવળેના દીકરા સંતોષ વડવળે પીઆરએલમાં વર્ષ ૨૦૦૫માં જોડાયા હતા. હાલ મિશન ચંદ્રયાન–3નું રોવર જે કામ કરી રહ્યું છે એ વિભાગના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. પ્રો. સંતોષ વડવળેએ ૮મા ધોરણ સુધી તાપી જિલ્લાના વેડછીમાં આવેલી જાણીતી શિક્ષણ સંસ્થા સ્વરાજ આશ્રમમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ વડોદરામાં અને એ પછી મુંબઈની ટીઆઇએફઆરમાંથી પીએચડી કર્યું હતું તેમ જ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બે વર્ષ પોસ્ટ ડોક્ટરેટ સીએફએ સેન્ટર ફૉર ઍસ્ટ્રોફિઝિક્સનો અભ્યાસ કર્યો હતો. તેઓએ અમેરિકાની નાસા સહિત વિશ્વના અનેક દેશોમાં અવકાશના એકસ-રે પ્રોજેક્ટ પર કામ કર્યું છે.
ચંદ્રયાન–3 મિશન સફળ રહ્યા બાદ સંતોષ વડવળેએ કહ્યું હતું કે ‘હાલમાં રોવરને કમાન્ડ મોકલ્યા છે. ત્યાં સૂર્યનો પ્રકાશ ૧૪ દિવસ સુધી છે એટલે સોલરથી બૅટરી ચાર્જ કરી રેડી જ રાખવાની તેમ જ વાતાવરણને ધ્યાનમાં લઈ એક-એક પળનો અમારે ઉપયોગ કરી લેવાનો હોય છે. ચંદ્રયાન–3 ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. રોવર ધીમે-ધીમે દૃઢ નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે. ચંદ્રની સપાટી પર નાના-મોટા કેટર્સ તેમ જ શેડો પડે કે નહીં એ સતત મૉનિટરિંગ કરીશું તથા દર પાંચ મીટરે રોવર ઊભું રહેશે.’ 

gujarat news chandrayaan 3 ahmedabad