દ્વારકા, કલ્યાણપુર, માણાવદરમાં આફતનો વરસાદ

23 July, 2024 09:45 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

દ્વારકાના પાનેલી ગામે ચોમેર પાણીમાં ફસાયેલા ૩ જણને ઍર ફોર્સે હેલિકૉપ્ટર મોકલીને બચાવ્યા

SDRFએ રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યાં

રાજકોટ જિલ્લાના લાઠ ગામમાં ૨૪ કલાક સુધી વાડી વિસ્તારમાં ફસાયેલાં બે બાળકો સહિત ૧૦ વ્યક્તિને SDRFએ રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યાં : પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના ફુવારા નેશ વિસ્તારમાં સગર્ભા મહિલાને ટ્રકમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવી

ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ૩૭ તાલુકાઓમાં બેથી સાત ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે પાનેલી ગામ જળબંબાકાર થતાં વાડી વિસ્તારમાં ચારે બાજુથી પાણીમાં ફસાઈ ગયેલા ૩ જણને જમીનમાર્ગે પહોંચવામાં મુશ્કેલી પડતાં વાયુસેનાના જવાનોએ હેલિકૉપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને તેમને બચાવી લીધા હતા.

ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના લાઠ ગામે ૨૪ કલાક સુધી વાડી વિસ્તારમાં ફસાયેલાં બે બાળકો સહિત ૧૦ વ્યક્તિઓને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)એ રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢ્યાં હતાં.

પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના ફુવારા નેશ વિસ્તારમાં સગર્ભા મહિલાનું આરોગ્ય વિભાગની ટીમે સલામત રીતે ટ્રકમાં બેસાડીને રેસ્ક્યુ કર્યું હતું અને તેને રાણાવાવમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે ઍમ્બ્યુલન્સ દ્વારા પોરબંદર હૉસ્પિટલ પહોંચાડી હતી.

ગઈ કાલે દ્વારકા, કલ્યાણપુર, માણાવદરમાં આફતનો વરસાદ પડ્યો હતો; તો જૂનાગઢ, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો એને કારણે પાણી ભરાઈ જતાં લાખો લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી હતી.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે કુલ ૧૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે દ્વારકામાં બે કલાકમાં પાંચ ઇંચ સાથે કુલ સવાપાંચ ઇંચ અને માણાવદરમાં બે કલાકમાં ૩ ઇંચ વરસાદ સાથે કુલ ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૬ ઇંચ, માળિયા હાટીનામાં પાંચ ઇંચ, જૂનાગઢ, કેશોદ અને વંથલીમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

અનરાધાર વરસાદને કારણે માણાવદરમાંથી કુલ ૧૧૦૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે ૪૮ ગામડાં સંપર્કવિહોણાં થયાં હતાં. ઘેડ વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળતાં ૭૬ રસ્તા સલામતી માટે બંધ કરવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના પલસાણામાં ૬ ઇંચ, બારડોલીમાં ૬ ઇંચ, કામરેજમાં પાંચ ઇંચ, માંડવીમાં ૪ ઇંચ, ઉમરપાડામાં ૪ ઇંચ, સુરત શહેરમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લામાં ભારે વરસાદથી બાવીસ રસ્તાઓ પર પાણી ફરી વળતાં સલામતી માટે બંધ કરવામાં આવ્યા હતા.

સુરતમાં વેશુ વિસ્તારમાં શ્યામ મંદિર પાસે ભરાયેલાં પાણીમાં એક શબવાહિની ફસાઈ ગઈ હતી જેને કારણે મૃત્યુ પામનારની નનામી બહાર કાઢીને સ્વજનો પાણીમાં ચાલતાં સ્માશાનભૂમિ સુધી લઈ ગયા હતા.

જૂનાગઢ જિલ્લામાં પાણીના પ્રવાહના કારણે બે વ્યક્તિનાં મોત

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે માળિયાહાટીના તાલુકાના આંબલગઢ ગામના એક અને માણાવદર તાલુકાના ઝિંઝરી થાણિયાણા ગામના એક એમ બે નાગરિકનાં મૃત્યુ પાણીના વધુ પ્રવાહને લીધે થયાં હતાં.

Gujarat Rains monsoon news dwarka rajkot ahmedabad porbandar surat gujarat gujarat news