નવસારીમાં પૂર્ણા નદીના પૂરનાં પાણી અને સુરતમાં ખાડીનાં પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સફાઈકામ શરૂ

28 July, 2024 08:18 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ધીરે-ધીરે પૂરનાં પાણી ઓસરતાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સફાઈ-અભિયાન હાથ ધરાયું હતું

સુરતમાં સફાઈકામ હાથ ધરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના નવસારીમાં પૂર્ણા નદીના પૂરનાં પાણી અને સુરતમાં ખાડીનાં પાણી ઓસર્યા પછી ગઈ કાલે યુદ્ધના ધોરણે સફાઈકામ હાથ ધરાયું હતું. નવસારીમાં પૂરનાં પાણીને કારણે ગંદકીના થર જામ્યા હતા અને ટ્રૅક્ટરોની ટ્રૉલીઓ ભરીને કાદવ-કીચડ ઉલેચ્યો હતો. નવસારીમાં મકાનો, ઑફિસો, દુકાનોમાં પૂરનાં પાણી ઘૂસી જતાં ઘરવખરી ઉપરાંત ઑફિસ તેમ જ દુકાનોમાં ચીજવસ્તુઓને પારાવાર નુકસાન થયું અને લોકોની હાલાકીનો કોઈ પાર રહ્યો નહોતો.  

નવસારી જિલ્લાનાં કલેક્ટર ક્ષિપ્રા આંગ્રેએ મીડિયાને કહ્યું હતું કે ‘જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈકામ હાથ ધર્યું છે. ૩૯૬ સફાઈ-કર્મચારીઓ, પાંચ JCB તથા ૩૦ જેટલાં વેહિકલ્સ અસરગ્રસ્ત વિસ્તારમાં સાફસફાઈની કામગીરીમાં કાર્યરત છે. જ્યાં સુધી સંપૂર્ણ સફાઈ ન થાય ત્યાં સુધી આ ટીમો સફાઈની કામગીરી કરશે. નાગરિકોના આરોગ્યની તકેદારી માટે ૯૮ જેટલી ટીમ તથા ૧૭ મોબાઇલ હેલ્થ-યુનિટ અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરીમાં જોડાયાં છે.’

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો તેમ જ નૅશનલ હાઇવે પર પાણી ફરી વળ્યાં હતાં. પૂરનાં પાણી ઓસર્યા બાદ મકાન અને માર્ગ વિભાગે સફાઈકામગીરી હાથ ધરી હતી. ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયાથી વાણિયા ફળિયા તેમ જ નૅશનલ હાઇવે ૪૮ના બ્રિજ પાસે પૂરમાં તણાઈને આવેલાં ઝાડી-ઝાંખરાં, પ્લા​સ્ટિક તેમ જ અન્ય કચરાને દૂર કરવા સફાઈકામ કર્યું હતું.

ચાર દિવસે ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

સુરતમાં મીઠી ખાડીના પૂરનાં પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા બાદ ધીરે-ધીરે પૂરનાં પાણી ઓસરતાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સફાઈ-અભિયાન હાથ ધરાયું હતું. મોટી સંખ્યામાં સફાઈ-કર્મચારીઓએ કાદવ-કીચડ દૂર કર્યા હતા અને જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. આ ઉપરાંત રૅપિડ રિસ્પૉન્સ મેડિકલ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના સર્વેની કામગીરી સાથે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના ગોડાદરા વિસ્તારમાં પાણીમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ ચોથા દિવસે મળી આવ્યો હતો. ગયા બુધવારે ગોડાદરામાં રહેતો ૨૧ વર્ષનો દીપેશ મિશ્રા નામનો યુવાન વરસાદમાં છત્રી લઈને જઈ રહ્યો હતો ત્યારે તેનો પગ લપસી જતાં પાણીમાં છત્રી પડી જતાં એને લેવા જતાં પાણીના ઊંડા ખાડામાં પડી ગયો હતો. તેનો મૃતદેહ બહાર કાઢવા શોધખોળ હાથ ધરી હતી. ગઈ કાલે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

gujarat news Gujarat Rains ahmedabad navsari surat monsoon news