Gujarat Rains: વરસાદ થકી ઇમારત ધસી, 3નાં મોત, આજે 9 રાજ્યોમાં અલર્ટ

24 July, 2024 11:54 AM IST  |  Dwarka | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ કારણે દ્વારકાના ખંભાળિયામાં એક ત્રણ માળની ઇમારત ધસી પડી. આમાં એક વૃદ્ધ મહિલા અને તેમની બે પૌત્રીઓના મૃત્યુ થયા છે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ કારણે દ્વારકાના ખંભાળિયામાં એક ત્રણ માળની ઇમારત ધસી પડી. આમાં એક વૃદ્ધ મહિલા અને તેમની બે પૌત્રીઓના મૃત્યુ થયા છે. મંગળવારે (23 જુલાઈ) મોડી રાતે 6 કલાક સતત ચાલેલા રેસ્ક્યૂ ઑપરેશનમાં NDRFએ 5 લોકોના જીવ બચાવી લીધા છે.

સૂરતમાં 24 કલાકમાં 228 mm વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં રસ્તા પર નદી જેવા ગતિશીલ વહેણથી પાણી વહી રહ્યું છે. આ સિવાય કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પણ પૂર થકી લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. ખાવા-પીવાની વસ્તુઓ ન મળવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે ક્યાં છે અતિ ભારે અને ક્યાં ભારે વરસાદ માટે અલર્ટ
ખૂબ ભારે વરસાદ (9 રાજ્યો): ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન.

ભારે વરસાદ (10 રાજ્યો): કર્ણાટક, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર.

ભવિષ્યમાં હવામાન કેવું રહેશે...

ઓડિશા, કોંકણ, ગોવા, ગુજરાત, કેરળમાં 25 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ (12 સે.મી.થી વધુ) થઈ શકે છે.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ (7 સેમી સુધી) ની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ (મહારાષ્ટ્ર), છત્તીસગઢ અને બિહારમાં વીજળી પડવાની સંભાવના છે.

નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે પાનેલી ગામ જળબંબાકાર થતાં વાડી વિસ્તારમાં ચારે બાજુથી પાણીમાં ફસાઈ ગયેલા ૩ જણને જમીનમાર્ગે પહોંચવામાં મુશ્કેલી પડતાં વાયુસેનાના જવાનોએ હેલિકૉપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને તેમને બચાવી લીધા હતા.

ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના લાઠ ગામે ૨૪ કલાક સુધી વાડી વિસ્તારમાં ફસાયેલાં બે બાળકો સહિત ૧૦ વ્યક્તિઓને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)એ રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢ્યાં હતાં.

પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના ફુવારા નેશ વિસ્તારમાં સગર્ભા મહિલાનું આરોગ્ય વિભાગની ટીમે સલામત રીતે ટ્રકમાં બેસાડીને રેસ્ક્યુ કર્યું હતું અને તેને રાણાવાવમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે ઍમ્બ્યુલન્સ દ્વારા પોરબંદર હૉસ્પિટલ પહોંચાડી હતી.

ગઈ કાલે દ્વારકા, કલ્યાણપુર, માણાવદરમાં આફતનો વરસાદ પડ્યો હતો; તો જૂનાગઢ, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો એને કારણે પાણી ભરાઈ જતાં લાખો લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી હતી.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે કુલ ૧૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે દ્વારકામાં બે કલાકમાં પાંચ ઇંચ સાથે કુલ સવાપાંચ ઇંચ અને માણાવદરમાં બે કલાકમાં ૩ ઇંચ વરસાદ સાથે કુલ ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૬ ઇંચ, માળિયા હાટીનામાં પાંચ ઇંચ, જૂનાગઢ, કેશોદ અને વંથલીમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

અનરાધાર વરસાદને કારણે માણાવદરમાંથી કુલ ૧૧૦૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે ૪૮ ગામડાં સંપર્કવિહોણાં થયાં હતાં. ઘેડ વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળતાં ૭૬ રસ્તા સલામતી માટે બંધ કરવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના પલસાણામાં ૬ ઇંચ, બારડોલીમાં ૬ ઇંચ, કામરેજમાં પાંચ ઇંચ, માંડવીમાં ૪ ઇંચ, ઉમરપાડામાં ૪ ઇંચ, સુરત શહેરમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.