09 July, 2022 08:36 AM IST | Ahmedabad | Shailesh Nayak
ગઈ કાલે અમદાવાદના ગિરધરનગર વિસ્તારમાં ભરાયેલાં વરસાદી પાણીમાંથી પસાર થઈ રહેલા લોકો
ચોમાસાની આ સીઝનમાં ગઈ કાલે અમદાવાદમાં મેઘો મુશળધાર રીતે અનરાધાર વરસ્યો હતો. પહેલા જ વરસાદમાં અમદાવાદ જાણે કે જળબંબોળ થઈને પલળી ગયું હતું. તેમાં પણ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં સાંબેલાધાર નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ભારે વરસાદથી કંઈકેટલાય વિસ્તારો જળમગ્ન થયા હતા અને સામાન્ય જનજીવન છિન્નભિન્ન થયું હતું.
ગઈ કાલે અમદાવાદમાં સવારથી ધીમે ધીમે વરસાદ વરસી હતો, પરંતુ બપોર પડતાં જ જાણે કે વરસાદે રૌદ્ર સ્વરૂપ લીધું હોય તેમ ધોધમાર વરસ્યો હતો. સીઝનના પહેલા જ વરસાદમાં ખાસ કરીને બપોરે બેથી ચાર વાગ્યાના બે કલાકમાં મુશળધાર વરસાદ પડતાં અમદાવાદ લથબથ થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલાં દેખાતાં હતાં. શહેરમાં સરેરાશ ૮૭ મી.મી.એટલે કે સાડાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો, પણ અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં જળબંબોળની સ્થિતિ થઈ હતી. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં ૨૨૮ મી.મી. એટલે કે કુલ નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઉસ્માનપુરામાં ૨૨૮ મી.મી., ચકુડિયામાં ૧૪૨ મી.મી. એટલે કે છ ઇંચ જેટલો, વિરાટનગરમાં ૧૩૫ મી.મી. એટલે કે સવાપાંચ ઇંચથી વધુ, મેમ્કોમાં ૧૧૮.૫૦ મી.મી. એટલે કે સાડાચાર ઇંચ, ઓઢવમાં ૧૧૭.૫૦ મી.મી. એટલે કે સાડાચાર ઇંચ અને દૂધેશ્વર વિસ્તારમાં ૧૦૨ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
અમદાવાદના પૂર્વ ઝોનમાં ૧૭૬.૮૭ મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ, પશ્ચિમ ઝોનમાં ૧૬૯.૮૮ મી.મી. એટલે કે સાડાછ ઇંચથી વધુ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૧૮.૯૯ મી.મી. એટલે કે સાડાચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
મણિનગર વિસ્તારમાં ભૂવો પડતાં એક કાર ફસાઈ ગઈ હતી
ભારે વરસાદના કારણે અખબારનગર અન્ડરપાસ, મીઠાખળી અન્ડરપાસ, શાહીબાગ અન્ડરપાસ, સૈજપુર ગરનાળું સહિતના અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરાયા હતા. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો અટવાઈ ગયા હતા અને વાહનો ફસાઈ ગયાં હતાં. કેટલીક સ્કૂલો પાસે પાણી ભરાઈ જતાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિકટ સ્થિતિમાં મુકાઈ ગયા હતા. શહેરમાં ભારે વરસાદના કારણે પાંચ વૃક્ષો ખડી પડ્યાં હતાં. ભારે વરસાદના પગલે અમદાવાદમાં આવેલા વાસણા બૅરેજના ત્રણ દરવાજા ખોલ્યા હતા.