મધ્ય ગુજરાત પર મેઘો મહેરબાન

17 September, 2023 09:45 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

દાહોદ જિલ્લા પર મન મૂકીને વરસ્યો વરસાદ : દાહોદ જિલ્લાના ગરબાડામાં છ ઇંચ, દાહોદમાં સવાપાંચ ઇંચ, લીમખેડામાં ચાર ઇંચથી વધુ, જાલોદ અને ફતેપુરા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો : માછણ તેમ જ ઓરસંગ નદીમાં પાણી આવ્યાં

ફાઇલ તસવીર

ગઈ કાલે મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા હતા એમાં પણ દાહોદ જિલ્લામાં મન મૂકીને વરસાદ પડ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સૌથી વધુ છ ઇંચ જેટલો, જ્યારે દાહોદમાં સવાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો, જેના પગલે આ બન્ને નગરો પાણી-પાણી થઈ ગયાં હતાં. વરસાદના કારણે માછણ નદી તેમ જ ઓરસંગ નદીમાં પાણી આવ્યાં હતાં તેમ જ નાના-મોટા વોકળા છલકાયા હતા. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેરખી ફેલાઈ ગઈ હતી.  

ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૯૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાંથી ૩૮ તાલુકાઓમાં એકથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દાહોદ જિલ્લાના લીમખેડામાં ચાર ઇંચથી વધુ, જાલોદ અને ફતેપુરા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દાહોદમાં પડેલા ભારે વરસાદના પગલે છાબ તળાવ ઓવરફ્લો થયું હતું તેમ જ માછણ નદીમાં પાણી આવ્યું હતું. દાહોદ

જિલ્લાના ધાનપુરમાં આવેલો અદલવાડા ડૅમ ઓવરફ્લો થયો હતો.
બીજી તરફ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચાર ઇંચ જેટલો, ડેડિયાપાડા તાલુકામાં સવાત્રણ ઇંચ, ગરુડેશ્વરમાં ત્રણ ઇંચથી વધુ, તિલકવાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતના દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, વડોદરા ઉપરાંત તાપી, ભરૂચ, સુરત, વલસાડ, ડાંગ, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. 
ગુજરાતમાં આગામી છ દિવસ દરમ્યાન હળવાથી ભારે તેમ જ અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

Gujarat Rains Weather Update gujarat gujarat news