19 January, 2025 12:54 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં કાર્તિક પટેલ.
જરૂર ન હોવા છતાં પણ બે દરદીઓની ઍન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ તેમનાં મૃત્યુ થતાં વિવાદમાં સપડાયેલી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલનો બે મહિના કરતાં વધુ સમયથી નાસતો ફરતો ચૅરમૅન કાર્તિક પટેલ દુબઈથી ૧૭ જાન્યુઆરીએ મોડી રાતે અમદાવાદ આવતાં અમદાવાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) ભરત પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘કાર્તિક પટેલની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ઘટના બની એ સમયે કાર્તિક પટેલ તેની પત્ની સાથે ઑસ્ટ્રેલિયામાં હતો અને ત્યાંથી તે ન્યુ ઝીલૅન્ડ ગયો હતો અને એ પછી ૨૦૨૪ની ૧૮ નવેમ્બરે દુબઈ ગયો હતો અને ત્યાં રોકાયો હતો. જોકે ત્યાં પત્નીની તબિયત બગડતાં ૧૭ જાન્યુઆરીએ મોડી રાતે અમદાવાદ પરત ફરતાં ઍરપોર્ટ પરથી તેને ઝડપી લીધો હતો. ખ્યાતિ મલ્ટિસ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડ હેઠળ ૩૮૦૦થી વધુ દરદીઓએ લાભ મેળવ્યો છે એમાં ગેરરીતિ થઈ છે, એની તપાસ માટે પૂછપરછ કરાશે. આ ઉપરાંત ૩૩ બૅન્ક-અકાઉન્ટનું ફૉરેન્સિક ઑડિટ ચાલી રહ્યું છે તેમ જ ઇન્શ્યૉરન્સ કંપની સાથેના વ્યવહારોની ચકાસણી હાથ ધરાઈ છે.’
પોલીસની પકડમાં આવેલા કાર્તિક પટેલે કાન પકડ્યા.
કાર્તિક પટેલે ૧૯૮૫માં પોતાના ઘરેથી વિડિયો-કૅસેટ લાઇબ્રેરી બનાવીને કૅસેટ ભાડે આપવાનું કામ શરૂ કર્યું હતું. ત્યાર બાદ ૧૯૮૭માં કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને અમદાવાદમાં રેસિડેન્શયલ તેમ જ કમર્શિયલ સ્કીમો બનાવી હતી. એ પછી એજ્યુકેશન ફીલ્ડમાં આવીને સ્કૂલ તેમ જ કૉલેજ શરૂ કરી હતી. આ દરમ્યાન કોરોના સમયે તેને કોરોના થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ થવા માટે જગ્યા ન મળતાં હૉસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું.