20 February, 2024 09:37 AM IST | Mumbai | Shailesh Nayak
નવસારી જિલ્લામાં વાંસી બોરસી ખાતે નરેન્દ્ર મોદીની સભા માટે બની રહેલા સ્ટેજ અને સભામંડપની ચાલતી તૈયારી.
અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં વાંસી બોરસી ગામ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે ત્યારે આ પાર્કથી વાંસી બોરસી લૅન્ડમાર્ક લોકેશન બનશે અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળશે એ મતલબની ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલાં સંગઠનોને પાર્કના પગલે વેપાર-ઉદ્યોગ માટે વધુ ઉજ્જ્વળ તકો દેખાઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી બોરસી ખાતે પાર્કનું ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે આ પાર્ક જ્યારે બનીને ધમધમતો થશે ત્યારે એનો લાભ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના વેપાર-ઉદ્યોગને મળશે. ફેડરેશન ઑફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ અસોસિએશનના ચૅરમૅન કૈલાશ હકીમે કહ્યું કે ‘સુરતમાં ૨૪૦ માર્કેટમાં ૪૦,૦૦૦ વેપારીઓ વર્ષે ૧ લાખ કરોડનું ટર્નઓવર કરી રહ્યા છે ત્યારે વાંસી બોરસીમાં બનનારા પાર્કથી ટેક્સટાઇલ વેપાર સેન્ટ્રલાઇઝ થશે. આગામી સમયમાં આ પાર્ક લૅન્ડમાર્ક લોકેશન બનશે. આ પાર્કમાં એક જ જગ્યાએ વિવિંગ, ગાર્મેન્ટિંગ અને મિલ સહિતનાં સેક્ટર એક જ પ્લૅટફૉર્મ પર આવવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઇકૉનૉમી ઝોન બનશે.’
ફેડરેશન ઑફ સિલ્ક વીવિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ભરત ગાંધીએ કહ્યું હતું કે ‘આ પાર્કથી રોજગારીની વિપુલ તકો સર્જાશે તેમ જ હાલમાં ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ લાગી રહ્યો છે એમાં ઘટાડો થશે. કાચા માલથી લઈને પ્રોડક્શન અને વેચાણ સુધીની સુવિધા એક જ જગ્યાએ મળવાથી બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે. યાર્નની બાજુમાં ડાઇંગ હાઉસ હોવાથી મોટુ ઇન્ટિગ્રેટેડ માર્કેટ બનશે. આ પાર્કમાં એફ્યુલન્ટ ટ્રીટમેન્ટ કૉમન પ્લાન્ટ આવવાથી પૉલ્યુશનની સમસ્યા પણ રહેશે નહીં. નવી મશીનરીઓ અને આધુનિક ટેક્નૉલૉજી આવશે, જેના કારણે ઇકૉનૉમીને પણ બૂસ્ટ મળશે.’