ગુજરાતમાં ૧૫,૮૨૦ યશોદા માતાઓનું દૂધ ૧૨,૪૦૩ બાળકો માટે બન્યું જીવનઅમૃત

04 August, 2024 03:12 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં નવજાત બાળકો માટે આશીર્વાદ બની રહી છે મિલ્ક બૅન્ક. હવે અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં બનશે હ્યુમન મિલ્ક બૅન્ક

હ્યુમન મિલ્ક બૅન્ક

વિશ્વભરનાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી અને જાગૃતિ માટે દર વર્ષે ૧થી ૭ ઑગસ્ટ દરમ્યાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ગાંધીનગરમાં નવજાત બાળકો માટે મધર મિલ્ક બૅન્ક આશીર્વાદ બની રહી છે અને હવે અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બૅન્ક બનશે જેના માટે મંજૂરી મળી છે. આ વર્ષે ગુજરાતનાં મહિલા અને બાળકલ્યાણ પ્રધાન ભાનુબહેન બાબરિયાએ ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાંથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં કાર્યરત હ્યુમન મિલ્ક બૅન્કમાં અત્યાર સુધીમાં ૧૫,૮૨૦ માતાઓ દ્વારા તેમના દૂધનું દાન કરાયું છે જે ૧૨,૪૦૩ શિશુઓને આહાર તરીકે પૂરું પાડવામાં આવ્યું છે. ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ૨૦૨૧થી હ્યુમન મિલ્ક બૅન્ક ચાલે છે. આ બૅન્કમાં અત્યાર સુધીમાં ૪૧૫ માતાઓએ પોતાના દૂધનું દાન કર્યું છે જેમાંથી ૪૪૯ બાળકોને એ આપવામાં આવ્યું છે. આ બૅન્કમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૦૨૦ લીટર દૂધ એકત્ર થયું છે. ગુજરાતમાં હાલમાં સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગરમાં હ્યુમન મિલ્ક બૅન્ક કાર્યરત છે.

ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૧૩ લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી આશરે ૧.૩ લાખ બાળકો સમય કરતાં વહેલાં જન્મેલાં હોય છે ૧૮.૫ ટકા ઓછા વજનવાળા હોય છે. જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવાં બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂધને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતાં તેવાં બાળકો માટે બીજી મમ્મીઓએ આપેલું દૂધ જીવનરક્ષક બની રહે છે. બીજી તરફ કેટલીક મહિલાઓને ડિલિવરી બાદ વધારે ફીડિંગ આવતું હોય તો તેવી માતાઓને બ્રેસ્ટફીડિંગનું મહત્ત્વ સમજાવીને સ્ક્રીનિંગ કરીને તેના બ્લડ રિપોર્ટ કાઢવામાં આવે છે. રિપોર્ટ નૉર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે. ડોનેટ કરેલા દૂધને પેશ્ચરાઇઝ્ડ કરી એનું રૅપિડ કુલિંગ થયા બાદ મિલ્કનું સૅમ્પલ માઇક્રો બાયોલૉજી ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ માટે મોકલાય છે. દૂધનો રિપોર્ટ નૉર્મલ આવ્યા બાદ તેને ડીપ ફ્રીઝરમાં ૧૮થી ૨૦ ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે. સામાન્ય રીતે ૧૨૫ મિલીલીટરની એક બૉટલમાં ત્રણ માતાઓના દૂધને મિક્સ કરાય છે. સંગ્રહ કરેલું આ દૂધ છ મહિના ચાલે છે.

અધૂરા મહિને જન્મેલાં બાળકો કે જેમનું વજન ૧ કિલો ૮૦૦ ગ્રામથી ઓછું હોય, બાળક કોઈ બીમારીના કારણે આઇસીયુમાં ઍડ‍્મિટ હોય અને તેની માતા ત્યાં સુધી પહોંચી શકતી ન હોય તેવાં બાળકોને આ દૂધ આપવા માટે પ્રાધાન્ય અપાય છે. ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું દૂધ આવતું હોય છે. આવી મમ્મીઓ વધારાનું દૂધ બીજાં બાળકાે માટે દાન કરી શકે છે. રક્તદાનની જેમ દૂધ-દાનથી માના શરીરને કોઈ નુકસાન થતું નથી.

gujarat news life masala ahmedabad rajkot gujarat