03 April, 2024 02:13 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પરષોત્તમ રૂપાલાની ફાઇલ તસવીર
Gujarat News: રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ક્ષત્રિય સમાજને લઈને એક નિવેદન આપ્યું હતું, જે નિવેદનને લઈને ભારે વાદવિવાદ સર્જાયો છે. જ્યારથી રૂપાલાએ આ નિવેદન કર્યું છે ત્યારથી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. આ સમાજના લોકો સતત વિરોધ કરી રહ્યા છે.
શું કહ્યું હતું પુરુષોત્તમ રૂપાલાએ કે જેણે આગ જન્માવી છે
થોડા દિવસો પહેલા પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે બ્રિટિશ જમાનામાં રાજા- મહારાજાઓએ પણ માથું નમાવીને તેમની સાથે રોટલી-માખણના સંબંધો બાંધ્યા હતા પરંતુ દલિત સમાજે એવું કર્યું નથી. તેમના આ નિવેદન પર ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ગુસ્સે થયા હતા અને ભારે વિરોધ કર્યો હતો.
આ વિરોધ એટલી હદ સુધી વધ્યો હતો કે ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી ટિકિટ પણ પાછી ખેંચી લેવા કહ્યું હતું. ભારે રોષ વચ્ચે સમાજનાં આગેવાન મહિલા પદ્મિનીબા વાળાએ પણ ભારે વિરોધ કર્યો છે. હવે પ્રાપ્ત અહેવાલો અનુસાર પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પદ્મિની વાળાએ રૂપાલાની ટિકિટ મુદ્દે અન્નનો ત્યાગ કરી દીધો
તાજતેરમાં જ રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળાએ આશાપુર માતાજીના મંદિરની મુલાકાત (Gujarat News) કરી હતી. તેઓએ આશાપુરા મંદિરમાં જ પોતે અન્નનો ત્યાગ કર્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે એવી માંગણી કરી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે.
ગાંધીનગર સુધી કુચ કરવામાં આવશે?
પ્રાપ્ત અહેવાલો અનુસાર પદ્મિનીબા વાળાએ અન્નનો તો ત્યાગ કર્યો જ સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં ગાંધીનગર (Gujarat News) સુધી કુચ પણ કરવામાં આવશે. પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે આ મુદ્દે મારા ભાઈઓ-બહેનો છેલ્લા ઘણા દિવસથી ન્યાય માટે પરેશાન થઈ રહ્યા છે. જો અમને ન્યાય નહીં મળે તો હું ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરીશ અને ત્યાં જોહર કરીશ.
અમદાવાદમાં બેઠક થઈ. પદ્મિની વાળાને અપાયું આમંત્રણ
સમગ્ર દેશમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પદ્મિનીબા ઉપરાંત સમગ્ર ક્ષત્રિય સમાજ બરાબર હાથ ધોઈને રૂપાલાની ટિકિટ કપાવવાની પાછળ પડ્યો છે. અમદાવાદની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આજે એક મહત્વની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર હવે આ બેઠકમાં પદ્મિનીબા વાળાને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ પોતે આ બેઠક માટે અમદાવાદમાં જવા માટે નીકળી ગયા હોઇ હવે આ વિરોધ વધુ ને વધુ આકરો થતો જઈ રહયો છે.
અમારી માંગ તો રૂપાલાની ટિકિટ રદની જ રહેશે: પદ્મિની વાળા
Gujarat News: આ બેઠકની અંદર સમાજે કહ્યું હતું કે અમારી માંગ તો રૂપાલાની ટિકિટ રદની જ રહેશે. પદ્મિની વાળાએ એમ પણ કહ્યું છે કે મારો અન્નનો ત્યાગ પણ આ મુદે યથાવત રહેશે. બેઠકમાં કોઈપણ નિર્ણય લેવાય અમારી માગ ટિકિટ રદ્દ કરવાની જ રહેશે.