01 May, 2023 12:48 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સીએમ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel Son)ના પુત્ર અનુજ પટેલ(Anuj Patel)ને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ (Mumbai)ખસેડવામાં આવ્યો છે. 30 એપ્રિલે બપોરે મુખ્યમંત્રીના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. આ પછી તેને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ સ્થિત કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી હતી. હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા અનુજ પટેલની તબિયત સ્થિર હોવાની માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ રાત્રે અનુજ પટેલ પર સર્જરી કરવામાં આવી હતી. જે બે કલાક સુધી ચાલી હતી. હવે અનુજ પટેલને મુંબઈ ખસેડવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમના પુત્રની તબિયત સ્થિર છે. તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ(Mumbai Hinduja Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.
પુત્રના બ્રેઈન સ્ટ્રોક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. તેઓ આજે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપશે નહીં. જામનગરમાં યોજાનારી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિવસ: જ્યારે અમદાવાદમાં નેહરુની સભા નિષ્ફળ રહી હતી
રવિવારે જ્યારે મુખ્યમંત્રીને બ્રેઈન સ્ટ્રોકની જાણ થઈ ત્યારે તેઓ મન કી બાત કાર્યક્રમ સાંભળવા માટે શીલજ ગયા હતા. જેથી ત્યાં બ્રેઈન સ્ટ્રોકની ફરિયાદ બાદ અનુજ પટેલને અમદાવાદ કેડી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારથી નિષ્ણાત તબીબોની ટીમ ત્યાં અનુજ પટેલની સંભાળ લઈ રહી હતી. રાત્રે અનુજ પટેલ પર સર્જરી પણ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અનુજ પટેલ ઉપરાંત એક પુત્રી છે.