21 August, 2024 09:35 AM IST | Idar | Gujarati Mid-day Correspondent
ઇડરિયા ગઢ પાસે વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવા મોટી સંખ્યામાં નાગરિકો ઊમટ્યા હતા
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ઇડરિયા ગઢના ડુંગરની ગોદમાં વૃક્ષોના છોડ વાવવા માટે હજારો લોકો ઊમટી પડ્યા હતા અને અંદાજે ૧૨ હજારથી વધુ વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ઇડરમાં અરવલ્લીની ગિરિમાળા પાસે શ્રીમદ રાજચંદ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલ તેમ જ જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ મહાવાવેતર અભિયાન યોજાયું હતું. ઇડર અને આસપાસનાં નગરો અને ગામોના નાગરિકો, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, વન મંડળીઓ, સ્વસહાય જૂથો, બિનસરકારી સંગઠનો, યુવકમંડળો, સાધુસંતો, કૉલેજના વિદ્યાર્થીઓ સહિત ૧૦ હજારથી વધુ લોકો મહાવાવેતર અભિયાનમાં જોડાયા હતા અને ૧૮ હેક્ટરના અનામત જંગલ વિસ્તારમાં અંદાજે ૧૨ હજારથી વધુ વૃક્ષના છોડો રોપ્યા હતા અને હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધીને એના લાંબા આયુષ્યની સામૂહિક કામના કરવામાં આવી હતી. મહાવાવેતર અભિયાનમાં ડ્રોન દ્વારા મોટી સંખ્યામાં સીડ-બૉલ્સનો જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલ તેમ જ નાગરિકોની ઉપસ્થિતિમાં બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું
સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર ૧૯૫૯ હેક્ટર વિસ્તારમાં ૧૩.૯૮ લાખ રોપાઓનું વાવેતર થતાં જિલ્લાના વન વિસ્તારમાં ૩૦૫૭ હેક્ટર વિસ્તારમાં ૨૨.૬૭ લાખ રોપાઓ મળીને કુલ ૫૦૧૬ હેક્ટર વિસ્તારમાં ૩૬.૬૫ લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.