વરસાદથી વેરાવળમાં તારાજી

20 July, 2023 09:07 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

એનડીઆરએફ અને પોલીસે બાયપાસ રોડની સોસાયટીઓમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા : ૨૪ કલાક દરમ્યાન ૧૯ ઇંચથી વધુ વરસાદ પડ્યો : મુખ્ય માર્ગો જાણે કે નદીઓ બન્યા, અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન

વેરાવળમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરીને નાગરિકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં છેલ્લા બે દિવસમાં ૨૩ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડતાં આખું વેરાવળ જળબંબોળ થઈ ગયું હતું. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચેથી પોલીસ તેમ જ એનડીઆરએફના જવાનોએ સ્થાનિક વહીવટી તંત્રની મદદથી પાણીમાં ફસાયેલા અનેક નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢ્યા હતા.

બુધવારે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ૧૯ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને ગઈ કાલે ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં વેરાવળ પંથક જળબંબોળ થયો હતો. વેરાવળ શહેર તેમ જ સોમનાથ વેરાવળ હાઇવે  જાણે કે નદી બની ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થતાં નાગરિકો દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

વેરાવળમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરીને નાગરિકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા

બે દિવસથી પડી રહેલા અનારાધાર વરસાદના કારણે વેરાવળ–સોમનાથ બાયપાસ બંધ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પ્રભાસ પાટણના ડોશિઆમ વિસ્તાર તેમ જ વેરાવળ–સોમનાથ બાયપાસની સોસાયટીઓમાં ફસાયેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા ટ્રૅક્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરીને ઘાંચીવાડા, પ્રભાસ પાટણ તરફ સલામત સ્થળે ખસેડાયા હતા.

૨૫ જવાનો સાથેની એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે વેરાવળ આવી પહોંચી હતી અને વેરાવળ બંદર વિસ્તાર, આંબેડકરનગર, ભીડિયા, જીઆઇડીસી વિસ્તાર ઉપરાંત સોમનાથ બાયપાસ પરની અનેક સોસાયટીઓમાં બચાવ કામગીરી હાથ ધરીને બોટની મદદથી વૃદ્ધો, મહિલાઓ તેમ જ બાળકોને સલામત રીતે બહાર કાઢ્યાં હતાં. બીજી તરફ રાજકોટ જિલ્લાના જેતપુરમાં કોઝવે પર પાણી ફરી વળતાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા હોવાની માહિતી મળતાં જ નગરપાલિકાની ટીમ તેમ જ વહીવટી તંત્ર દોડતાં થયાં હતાં અને સ્કૂલની પાછળની સાઇડે દીવાલ પર સીડી મૂકીને સ્કૂલમાં ફસાયેલા ૪૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

Gujarat Rains saurashtra gujarat gujarat news shailesh nayak